પોરબંદર–સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ જોડાશે
ગુજરાત સહિત છ રાજ્યોના મુખ્ય સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનમાં બાવીસ કોચની વ્યવસ્થા કરાઈ
અગ્ર ગુજરાત, ઉપલેટા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોમાં જોવા મળતા વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પોરબંદર અને સંતરાગાછી વચ્ચે દોડતી ટ્રેન નંબર 12949/12950 કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુસાફરોને વધુ સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા આ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ટ્રેન તેના રૂટ પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જામજોધપુર, ઉપલેટા, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પરથી પસાર થાય છે. આ ઉપરાંત પોરબંદરથી ઉપડતી ટ્રેન વાંસજાળિયા અને વાંકાનેર સ્ટેશને પણ ઊભી રહે છે. વધારાનો કોચ જોડાવાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના આ શહેરોના મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવામાં સીધો ફાયદો થશે અને મુસાફરી સુગમ બનશે.
2654 થી 2656 કિલોમીટરનું લાંબુ અંતર કાપતી આ ટ્રેન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, અકોલા, બડનેરા, વર્ધા અને નાગપુર, છત્તીસગઢના દુર્ગ, રાયપુર અને બિલાસપુર, ઓડિશાના ઝારસુગુડા અને રાઉરકેલા, ઝારખંડના ચક્રધરપુર તેમજ પશ્ચિમ બંગાળના પુરુલિયા, આદ્રા, બાંકુરા, મેદિનીપુર અને ખડગપુર જેવા મુખ્ય જંક્શનોને જોડે છે. આ તમામ વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે અવરજવર કરતા હજારો મુસાફરો માટે સુવિધા વધશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુખ્યાલયના પરિપત્ર મુજબ પોરબંદરથી દર શુક્રવારે ઉપડતી ટ્રેન નંબર 12949માં તારીખ 20 નવેમ્બરથી 25 ડિસેમ્બર 2026 સુધી એક વધારાનો સ્લીપર કોચ જોડાશે. તેવી જ રીતે, સંતરાગાછીથી દર રવિવારે ઉપડતી ટ્રેન નંબર 12950માં તારીખ 22 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2026 સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
હાલમાં આ ટ્રેન કુલ 21 એલએચબી કોચ સાથે દોડાવવામાં આવે છે. હવે તેમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરાતા ટ્રેનના કુલ કોચની સંખ્યા વધીને 22 એલએચબી કોચ થઈ જશે. સ્લીપર શ્રેણીમાં વધારાની બર્થ ઉપલબ્ધ થવાથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા વધશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. પશ્ચિમ રેલવે મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.


