રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ પર ગુજસીટોકનો સકંજો
ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા સહિત 15 શખ્સો સામે સંગઠિત ગુનાખોરીનો ગુનો; 13 આરોપીઓ પોલીસની પકડમાં, બેની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ગુનાખોરીના સામ્રાજ્ય પર લગામ કસવા શહેર ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત હાંડા ગેંગ સામે સીધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. રૈયાધાર અને આસપાસના વિસ્તારોમાં આતંક મચાવતી આ ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા સહિત કુલ 15 શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી 13 આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે, જ્યારે બે આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ આ કાર્યવાહી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાંડા ગેંગનો મુખ્ય સૂત્રધાર ભૌતિક ઉર્ફે યસ ઉર્ફે હાંડો પરેશ ડાભી છે. તેના નેજા હેઠળ ટોળકીના સભ્યો લાંબા સમયથી રૈયાધાર તથા આસપાસના વિસ્તારોમાં સંગઠિત રીતે ગુનાખોરી આચરતા હતા. ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ઘરફોડ ચોરી, વાહનોમાં આગચંપી, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ સહિતના ગંભીર ગુનાઓમાં આ ગેંગના સભ્યોની સંડોવણી સામે આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીના 15 સભ્યો સામે છેલ્લા દસ વર્ષના સમયગાળામાં કુલ 87 ગુનાઓ નોંધાયા છે. આ પૈકીના 50 ગુનાઓને ગુજસીટોક હેઠળની કાર્યવાહી માટે આધારરૂપ બનાવવામાં આવ્યા છે. ગુનાખોરીના આ લાંબા ઇતિહાસને ધ્યાનમાં રાખીને સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં રોહિત ઉર્ફે પિયુષ ડાભી, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી, ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા, મયુર સુનિલ ધામેલિયા, વિપુલ પ્રવીણ બલતરિયા, હિતેશ સુનિલ ધામેલિયા, આકાશ જીવણ વારગિયા અને મીત ખંભરામ સહિતના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 15 આરોપીઓ પૈકી 12ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે, એક આરોપી અગાઉથી જેલમાં છે અને અન્ય બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.
રાજકોટ પોલીસ સંગઠિત ગુનાખોરી સામે છેલ્લા દોઢ વર્ષથી આક્રમક અભિયાન ચલાવી રહી છે. આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં 10 કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરીને આશરે 128 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. એટલું જ નહીં, પોલીસના રડારમાં વધુ બે સંગઠિત ગેંગ આવી હોવાનું પણ ડીસીપી દ્વારા જણાવાયું છે. આગામી દિવસોમાં આ ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. હાંડા ગેંગ સામેની કાર્યવાહીથી શહેરમાં સંગઠિત ગુનાખોરી ચલાવતા તત્ત્વોને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


