રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ
શાળા, કોલેજ, બેંકો સહિતના વિવિધ વિભાગના ૪૨૦૦ કર્મચારીઓને ફરજ સોંપાઇ : બીજા તબક્કામાં ૪૦ જેટલા પ્રશ્નો પૂછાશે : મનપા દ્વારા તૈયારીઓ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાપાલિકા દ્વારા 10 જાન્યુઆરી 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત થશે. આ અંતર્ગત 10 થી 24 જાન્યુઆરી સુધી નાગરિકો માટે સ્વ-ગણતરીનો વિકલ્પ રહેશે, અને 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને દરેક વ્યક્તિને કુલ 40 પ્રશ્નો પૂછશે. 1 થી 5 માર્ચ દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. નવા વિસ્તારો ભળવાથી શહેરનો વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે, જેના કારણે કુલ વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે. આ સમગ્ર કામગીરીમાં મનપા, શાળાઓ, યુનિવર્સિટી અને સરકારી બેંકોના અંદાજે 4,200થી વધુ કર્મચારીઓ જોડાશે, તેમજ સ્માર્ટફોન ધારકોને સ્વ-ગણતરીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત આગામી 10 જાન્યુઆરી 2027થી થશે. ભારતના રાજપત્રની સૂચના મુજબ, કર્મચારીઓ ઘરે ઘરે જઈને ગણતરી શરૂ કરે તે પહેલાં 10 જાન્યુઆરી 2027થી 24 જાન્યુઆરી 2027 સુધી નાગરિકો માટે સ્વ-ગણતરી (સેલ્ફ)નો વિકલ્પ રહેશે.
ત્યારબાદ 25 જાન્યુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 સુધી કર્મચારીઓ ઘરે ઘરે જઈને વિગતો એકત્ર કરશે અને 1 માર્ચ 2027થી 5 માર્ચ 2027 દરમિયાન પુનરીક્ષણ દોર યોજાશે. આ કામગીરી માટે સંદર્ભ તારીખ માર્ચ 2027ના પહેલા દિવસે 00:00 વાગ્યાની નક્કી કરાઈ છે. સમગ્ર પ્રક્રિયા માટે રાજકોટમાં 17 અને 18 નવેમ્બર એમ બે દિવસ ટ્રેનિંગ પણ યોજાઈ ચૂકી છે.
વર્ષ 2011 બાદ લાંબા સમય પછી થઈ રહેલી આ વસ્તી ગણતરીમાં શહેરનો વિસ્તાર વધવાથી કુલ વસ્તી 20 લાખને વટાવી જાય તેવી શક્યતા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી ભળ્યા બાદ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડી ભળતા 129.21 ચોરસ કિમી અને જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુર-1 ભળતા કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી થયો છે. વર્ષ 1981માં 4.44 લાખ, 1991માં 5.50 લાખ, 2001માં 10.00 લાખ અને 2011માં 13.46 લાખ વસ્તી નોંધાઈ હતી, જેમાં આ વખતે નવા ભળેલા વિસ્તારોને લીધે મોટો વધારો જોવા મળી શકે છે.
બીજા તબક્કામાં 40 પ્રશ્નો પૂછાશે
- વ્યક્તિનું નામ 2. મુખિયા સાથેનો સંબંધ 3. લિંગ 4. જન્મ તિથિ અને આયુ (પૂર્ણ વર્ષોમાં) 5. વર્તમાન વૈવાહિક સ્થિતિ 6. લગ્ન સમયની આયુ (પૂર્ણ વર્ષોમાં) 7. પતિ/પત્નીનું નામ 8. ઘોષિત રાષ્ટ્રીયતા 9. ધર્મ 10. અનુસૂચિત જાતિ (અ.જા.)/અનુસૂચિત જનજાતિ (અ.જ.જા.)/જાતિ 11. પિતાનું વિવરણ 12. માતાનું વિવરણ 13. નિઃશક્તતા 14. માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન 15. સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ 16. શૈક્ષણિક સંસ્થાનમાં શિક્ષણ ગ્રહણ કરવાની સ્થિતિ 17. પ્રાપ્ત શિક્ષણનું ઉચ્ચતમ સ્તર તથા સંકાય/વિષય 18. ભૂતકાળમાં કોઈ પણ સમયે કોઈ કામકાજ કર્યું છે કે કેમ 19. આર્થિક કાર્યકલાપની શ્રેણી 20. વ્યવસાય 21. ઉદ્યોગ, વ્યાપાર અથવા સેવાનું સ્વરૂપ 22. કર્મીનો વર્ગ 23. બિન-આર્થિક કાર્યકલાપ (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન કર્મી માટે) 24. કામની શોધમાં અથવા કામ માટે ઉપલબ્ધતા (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન કર્મી માટે) 25. કાર્યસ્થળ સુધીની મુસાફરી 26. જન્મ સ્થાન 27. પૂર્વ નિવાસ સ્થાન 28. સ્થળ પરિવર્તનનું કારણ 29. સ્થળ પરિવર્તન બાદ આ ગામ/શહેરમાં નિવાસની અવધિ 30. સ્થાયી નિવાસ સ્થાનનું સરનામું 31. વર્તમાનમાં જીવિત બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા અને સંબંધ વિચ્છેદિત મહિલા માટે) 32. ક્યારેય પણ જીવિત જન્મેલા બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા અને સંબંધ વિચ્છેદિત મહિલા માટે) 33. છેલ્લા 1 વર્ષ દરમિયાન જીવિત જન્મેલા બાળકોની સંખ્યા (કેવળ વર્તમાનમાં વિવાહિત મહિલા માટે) 34. કોવિડ-19 રસીકરણનું સ્થાન 35. બેંક ખાતાની કુલ સંખ્યા 36. મોબાઈલ નંબર (જો ઉપલબ્ધ હોય તો) 37. આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો) 38. વોટર આઈડી નંબર (જો ઉપલબ્ધ હોય તો) 39. પાસપોર્ટ નંબર (જો ભારતીય પાસપોર્ટ ધારક હોય) 40. ડ્રાઈવિંગ લાયસન્સની ઉપલબ્ધતા


