ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો
સર્કિટ હાઉસથી અયોધ્યા હાઈટ્સ સુધીના માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો પર અકસ્માતનું જોખમ
કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતના આક્ષેપ: રોડના સેમ્પલ લઈ તટસ્થ લેબ તપાસ કરવાની માંગ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા ડામર રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડ તરફ જતા માર્ગ પર સર્કિટ હાઉસથી અયોધ્યા હાઈટ્સ સુધીનો ડામર રોડ બન્યાના માત્ર છથી આઠ મહિનામાં જ ઠેર-ઠેર બેસી ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે. આ મામલે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર આઠના સદસ્ય લખમણભાઈ ભોપાળા તેમજ વોર્ડ નંબર ત્રણના સભ્ય ચંદ્રપાલસિંહ જાડેજા સહિતના વિપક્ષી સદસ્યોએ ખાડાઓ ફરતે સફેદ કલરથી સર્કલ દોરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષી સદસ્યોએ જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વધુમાં, કોલકી રોડથી રેલવે ફાટક તરફ જવાના ક્રોસિંગ પર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ઢાળ આપ્યા વિના જ સીધો ડામર પાથરી દેવાતા અહીં અકસ્માતનો સતત ભય રહે છે. બેસી ગયેલા રોડ અને ખાડાઓને કારણે બાઈક સવારો સહિતના વાહનચાલકો પડી જવાના અને અકસ્માત થવાના બનાવો પણ બની રહ્યા છે.
નાગરિકોની મળેલી ફરિયાદો, રજૂઆતો અને હકીકતલક્ષી બાબતો તપાસ કર્યા બાદ વિપક્ષી સદસ્યોએ નાગરિકોના હિત, સુરક્ષા અને અકસ્માતોથી બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ચંદ્રપાલસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો હેતુ માત્ર વીડિયો બનાવી પ્રસિદ્ધિ મેળવવાનો નથી, પરંતુ નાગરિકો અકસ્માતનો ભોગ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સફેદ ચિહ્નો કરી પ્રજા સમક્ષ વહીવટની વાસ્તવિકતા ઉજાગર કરવાનો છે. બીજી તરફ, લખમણભાઈ ભોપાળાએ નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ કરતાં ભ્રષ્ટાચાર વધુ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળાએ સરકારી તંત્ર સમક્ષ માંગણી કરી છે કે આ રોડના કામના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ટેસ્ટ રિપોર્ટ કરાવવામાં આવે અને જવાબદારો સામે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે તટસ્થ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


