નવનાત વણિક મહાજન સમાજની ઐતિહાસિક ‘વણિક જોડો યાત્રા’નું ગુરૂવારે રાજકોટમાં આગમન
એકતા, સંગઠન અને જીવદયાના ત્રિવેણી સંગમ સાથે રાજકોટના રાજમાર્ગો પર ગુંજશે વણિક એકતાનો નાદ; 11,664 કિલો ડ્રાયફ્રૂટ કીડીયારું પૂરવાનો અનોખો સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત નવનાત વણિક સમાજ (મહાજન સમાજ) દ્વારા સમાજની એકતા, અખંડિતતા, સંગઠનશક્તિ અને સામાજિક ઉત્થાનના ઉમદા આશય સાથે ‘વણિક જોડો યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 18 નવેમ્બરથી 28 નવેમ્બર, 2026 દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરી રહેલી આ ઐતિહાસિક યાત્રા ગુરુવાર, તા. 26 નવેમ્બર, 2026ના રોજ સવારે 9:30 કલાકે રાજકોટ શહેરમાં પ્રવેશ કરશે.
નવનાત વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહની આગેવાની અને માર્ગદર્શન હેઠળ યોજાનારી આ યાત્રામાં વણિક સમાજના વિવિધ ફિરકાઓના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, મહાનુભાવો, યુવાનો તેમજ સંતો-મહંતો વિશેષ ઉપસ્થિત રહેશે. સવારે 9:30 કલાકે ટાગોર રોડ સ્થિત નાગર બોર્ડિંગ ખાતેથી યાત્રાનું પ્રસ્થાન થશે. જે રાજકોટ શહેરના નિર્ધારિત મુખ્ય માર્ગો પર કાર અને બાઇક રેલી સ્વરૂપે યાત્રા આગળ વધશે. ત્યારબાદ જ્યુબિલી ચોક નજીક આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નમન અને પુષ્પાંજલિ અર્પણ કરીને યાત્રાનું સમાપન થશે.
આ યાત્રા માત્ર એક રેલી ન બની રહેતા સમાજના સર્વાંગી વિકાસ અને સંગઠન માટેનું વ્યાપક સામાજિક મહાઅભિયાન બની રહી છે. વર્ષોથી વિવિધ ફિરકાઓ અને પેટા સમાજોમાં વહેંચાયેલા વણિક સમાજને એક મંચ પર લાવવાનો સંકલ્પ લેવાયો છે. આ અંતર્ગત ગુજરાતમાં 2,610 વ્યક્તિઓની સમિતિ રચવા અને વૈશ્વિક સ્તરે આશરે 3,00,000 સભ્યોને જોડીને સશક્ત નેટવર્ક ઊભું કરવાનું લક્ષ્ય છે. ભારતીય સંસ્કૃતિના અહિંસા અને કરુણાના મૂલ્યોને ઉજાગર કરતા નવનાત વણિક સમાજ દ્વારા આશરે 11,664 કિલો ડ્રાયફ્રૂટ કીડીયારું પૂરવાનો પ્રેરણાદાયી સંકલ્પ કરવામાં આવ્યો છે, જે અબોલ જીવો પ્રત્યેની સંવેદનાનો એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરશે. વણિક સમાજના વિવિધ ફિરકાઓ વચ્ચે લગ્ન-વેવિશાળના સંબંધો માટે પરિચય અને સહયોગનું સુવ્યવસ્થિત માધ્યમ ઊભું કરવું, જેથી પરિવારોને યોગ્ય જીવનસાથીની પસંદગીમાં સરળતા રહે. શિક્ષણ, વેપાર, વ્યવસાય, સામાજિક સુરક્ષા અને યુવા પેઢીના માર્ગદર્શન માટે તમામ ફિરકાઓ વચ્ચે ભેદભાવ ભૂલી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
રાજકોટના તમામ વણિક સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવોને 26 નવેમ્બરે યોજાનારી આ ઐતિહાસિક ‘વણિક જોડો યાત્રા’માં મોટી સંખ્યામાં જોડાઈને સમાજની એકતા અને સંગઠનશક્તિના દર્શન કરાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


