મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક બોઝ
PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો
યુનિટ દીઠ ૧૫ પૈસા અને પાંચ પ્રકારના ચાર્જ પર 3.૯૯ ટકાનો એરિયર્સ સ્વરૂપે ભાવ વધારો ઝીંકી દેવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં 1.76 કરોડ વીજ ગ્રાહકો પર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો અને 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકાનો એરિયર્સ સ્વરૂપે ભાવવધારો ઝીંકી દેવામાં આવતા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા PGVCLના વીજ બીલમાં એરિયર્સ સ્વરૂપે નાણા વસૂલવાનું શરૂ કરાયું છે. જેનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં વીજ ગ્રાહકોને સાથે રાખી PGVCLના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવાની સાથે પ્રદેશ કક્ષાએ પણ સરકારનો વિરોધ કરાશે.
સમગ્ર દેશ અને રાજ્યમાં મોંઘવારીના માર વચ્ચે વીજ ગ્રાહકો પર વધારાના ચાર્જીસ ઝીંકીને ‘પડયા પર પાટું’ મારવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, એક તરફ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ ભાજપ સરકાર અને PGVCL દ્વારા વીજ વપરાશકારોના ખિસ્સામાંથી નાણાં ખંખેરવાની કામગીરી થઈ રહી છે.
PGVCLના બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો કરવા ઉપરાંત એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ પર 3.99% વધારો કરાયો છે. જુલાઈ પહેલાંના, જાન્યુઆરીના અને અત્યારના બિલોની સરખામણી કરવાથી ગ્રાહકોને આ વધારાનો ખ્યાલ આવી શકે તેમ છે. સામાન્ય વ્યક્તિ કામકાજની વ્યસ્તતાને કારણે બિલનું વિશ્લેષણ કર્યા વગર ઓનલાઈન કે ઓફલાઈન ભરપાઈ કરી દે છે, જેનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનો દાવો કરાયો છે.
પ્રજાની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા PGVCLના મેનેજિંગ ડિરેક્ટરને પરિપત્ર અને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવશે તેમજ રાજ્ય કક્ષાએ સરકાર સમક્ષ રજૂઆત કરાશે. સાથોસાથ જનતાને પણ પોતાના વીજ બિલ તપાસીને જાગૃત થવા અપીલ કરાઈ છે.
એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ પર અગાઉ 0 % હતા. જોકે તેના પર હવે 3.99%નો વધારો કરાયો છે.
મંજૂરી બાદ ભાવ વધારો લાગુ : અધિકારી
PGVCLના જનરલ મેનેજર (ફાઈનાન્સ) કિંતુકુમાર મલકાને જણાવ્યું કે, આ પ્રક્રિયા FPPPA (ફ્યુઅલ એન્ડ પાવર પર્ચેઝ કોસ્ટ એડજસ્ટમેન્ટ) હેઠળ ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ની મંજૂરી બાદ લાગુ કરવામાં આવે છે. રેગ્યુલેટરી મંજૂરીની પ્રક્રિયામાં સમય લાગતો હોવાથી આ અસર સામાન્ય રીતે દોઢ-બે મહિના બાદ પશ્ચાતવર્તી અસરથી લાગુ કરાય છે, જે અંતર્ગત જુલાઈ ક્વાર્ટર સંબંધિત 15 પૈસાનો વધારો અને 3.99%ના ઘટકની અસર અત્યારના બિલમાં વસૂલવામાં આવી રહી છે.
ગ્રાહકોને યુનિટ વપરાશ કે બિલ અંગે થતી ગેરસમજ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે PGVCLના મીટર્સ નિર્ધારિત ટેકનિકલ ટેસ્ટ અને ચકાસણી બાદ જ ફિલ્ડમાં મૂકવામાં આવે છે તેથી યુનિટ નોંધણી એકદમ ચોક્કસ હોય છે. ફ્યુઅલ સરચાર્જ વધવાને કારણે બિલની રકમ વધેલી જણાય છે જેનો અર્થ મીટરમાં વધારે યુનિટ આવવો એવો નથી.
ગુજરાતમાં સૌથી વધુ મોંઘી વીજળીના આક્ષેપ
શિયાળામાં જમા થતા યુનિટના બદલે અંદાજે રૂ.2થી 2.50 લેખે રકમ જમા થાય છે. જ્યારે ઉત્પાદન સાથે વપરાશ થાય ત્યારે પ્રતિ યુનિટ રૂ.6થી 8 સુધીનો ચાર્જ વસૂલાય છે ખેડૂતોમાં વીજ પોલ નાખવા તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવા મામલે દાદાગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. એક તરફ ગુજરાતમાં સૌથી વધુ વીજ ઉત્પાદન થતું હોવાના દાવા થાય છે, ત્યારે બીજી તરફ સમગ્ર દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં હોવાનું જણાવી ભાજપની નીતિઓ સામે સવાલ ઉઠાવાયા છે.


