નર્મદા તટે સ્થિત શ્રી નીલકંઠધામ, પોઈચાને ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ’નું આંતરરાષ્ટ્રીય સન્માન
અમેરિકાના ન્યુજર્સી સ્થિત વિશ્વ વિખ્યાત સંસ્થા ‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા પ્રમાણપત્ર એનાયત
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે પ્રમાણપત્ર સ્વીકારાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા અને સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી નીલકંઠધામ, પોઈચાની યશકલગીમાં વધુ એક આંતરરાષ્ટ્રીય પીંછું ઉમેરાયું છે. અમેરિકાના ન્યુજર્સી સ્થિત વિશ્વ વિખ્યાત સંસ્થા ‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા શ્રી નીલકંઠધામને સત્તાવાર રીતે “વર્લ્ડ અમેઝિંગ પ્લેસ” (વિશ્વનું અદભુત સ્થળ) તરીકે જાહેર કરી વિશેષ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ ગૌરવપૂર્ણ સન્માન પાછળની વિગતો મુજબ, અગાઉ ‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન’ના ફાઉન્ડર અને સીઈઓ શ્રી મિહિરભાઈ બ્રહ્મભટ્ટ શ્રી નીલકંઠધામની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ મંદિરમાં થતી શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનની અનોખી સેવા-પૂજા રીતિ, નિત્ય પ્રાતઃકાળે ૧૦૮ લીટર શુદ્ધ ગાયના દૂધથી થતા દિવ્ય અભિષેક તેમજ સંકુલની અલૌકિક સુંદરતા અને દિવ્યતા જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા.
સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રમાં ખાસ નોંધ લેવામાં આવી છે કે, ૧૦૫ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ આધ્યાત્મિક સંકુલ વિશ્વભરના લાખો ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. મંદિરની ભવ્ય સ્થાપત્ય કળા (આર્કિટેક્ચર), પવિત્ર પરંપરાઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો, શાંત કુદરતી વાતાવરણ તેમજ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના જતન પ્રત્યેના અસાધારણ સમર્પણ બદલ આ તીર્થધામને વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવ્યું છે.
આ નિમિત્તે આયોજિત વિશેષ સન્માન સમારોહમાં મિહિરભાઈ બ્રહ્મભટ્ટના પ્રતિનિધિ તરીકે ચિરાગભાઈએ ખાસ ઉપસ્થિત રહીને આ સન્માન અર્પણ કર્યું હતું. ૩૦૦ સંતોના ગુરુવર્ય અને ૭૦ સંસ્થાઓના વડા એવા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીને મંદિરના ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે આ ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ’નું પ્રમાણપત્ર અર્પણ કરી સમગ્ર સંસ્થાનનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ વિશેષ સન્માનથી સમગ્ર હરિભક્ત સમુદાય તેમજ સમસ્ત ગુજરાતમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.


