રાજકોટ ગ્રામ્યમાં ચાર સ્થળે ગાંજાના નેટવર્ક પર પોલીસ ત્રાટકી, 4 ઝડપાયા
ગોંડલ, પડધરી, શાપર અને ઉપલેટામાં ચાર દરોડા : 1.37 કિલો ગાંજો જપ્ત, રાજકોટ-ગોંડલ-જેતપુરના સપ્લાયરોની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્યમાં ગાંજાના વેપલાનું નેટવર્ક ડામવા પોલીસે ચાર સ્થળે એકસાથે દરોડા પાડી આશરે 1.37 કિલો ગાંજો ઝડપી લીધો છે. ગોંડલ, પડધરી, શાપર અને ઉપલેટામાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક્ટિવાની ડેકીથી લઈને રહેણાક મકાનો સુધી ગાંજાનો જથ્થો મળી આવતાં ગામેગામ ફેલાયેલા નશાના કારોબારની કડીઓ સામે આવી છે.
એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ગોંડલના ઉમવાડા ચોકડી પાસે રેલવે અન્ડરબ્રિજ નીચેથી કરણ મનોજ ભંડેરીને એક્ટિવાની ડેકીમાંથી 526 ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવાયો હતો. પૂછપરછમાં તેણે ગોંડલના અજીતસિંહ પૂંજા ઝાલા પાસેથી ગાંજો મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ રૂ.86,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજી તરફ પડધરી પોલીસે મોવૈયા ગામના હુસેની ચોકમાં વલીસ ઉર્ફે ચીચુબાપુ હુસેન બુખારીના મકાનમાં દરોડો પાડી 255 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. તેણે રાજકોટના રૂખડિયા પરામાં રહેતા ઇસ્માઈલ શેખ પાસેથી ગાંજો લાવ્યો હોવાનું ખૂલ્યું હતું.
શાપર પોલીસે બુદ્ધનગર મફતિયાપરા વિસ્તારમાં દરોડો પાડી પારડીના જય કાનજી બગડાને 215 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. પૂછપરછમાં શાપરના રેહાન ઉર્ફે સાહિલ ખરેડિયા અને તેની માતા ખેરુન ખરેડિયાનું નામ ખુલતાં બંનેની શોધખોળ શરૂ કરાઈ છે.
ઉપલેટા પોલીસે રામગઢના સ્મશાન રોડ પર રહેતા અલ્તાફ અલમશાહ રફાઈના મકાનમાંથી 376.433 ગ્રામ ગાંજો કબજે કરી તેની ધરપકડ કરી હતી. અલ્તાફે જેતપુરના અપુ બાપુ પાસેથી ગાંજો મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. ચારેય કાર્યવાહીમાં પોલીસે કુલ 1.37 કિલો જેટલો ગાંજો કબજે કર્યો છે. હવે રાજકોટ, ગોંડલ, શાપર અને જેતપુરના સપ્લાયરો સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે. એસઓજીની સાથે સ્થાનિક પોલીસ પણ મેદાનમાં ઉતરતાં ગાંજાના પેડલરોમાં ફફડાટ ફેલાયો છે.


