- ભૂકંપને કારણે સૌથી વધુ રુકુમ પશ્ચિમ અને જાજરકોટમાં મોત
- ભૂકંપનું કેન્દ્રબિંદુ જાજરકોટ જિલ્લાના લામીડાંડા વિસ્તારમાં
- PM પુષ્પકમલ દહલ પ્રચંડે મૃતકો અંગે દુઃખ વ્યક્ત કર્યું
ભારતનો પાડોશી દેશ નેપાળ ફરી એકવાર ભૂકંપની ઝપેટમાં આવી ગયો છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને વિનાશ એટલો છે કે 129 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ક્યાં અને કેટલા મૃત્યુ થયા?
રૂકુમ પશ્ચિમ અને જાજરકોટમાં ભૂકંપના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. મૃતકો વિશેની માહિતી રૂકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 129 પર પહોંચી ગયો છે. વડાપ્રધાનના ખાનગી સચિવાલયના જણાવ્યા અનુસાર જાજરકોટ ભૂકંપમાં 92 લોકોના મોત થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે.
જ્યારે રુકુમ પશ્ચિમમાં 36 લોકોના મોત થયા છે અને 85 લોકો ઘાયલ થયા છે.
દિલ્હી-એનસીઆરમાં અફરાતફરી
નેપાળમાં તબાહી મચાવનાર ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. બિહારના પટના અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં લોકો ઘરની બહાર આવી ગયા અને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં અરાજકતા જોવા મળી. હકીકતમાં, દિલ્હી-એનસીઆરમાં દર મહિને લગભગ એકવાર ભૂકંપ આવ્યો છે.


