- શહેરમાં ફટાકડાની હાટડીઓ ધમધમવા લાગી
- દિવાળી પહેલાં ભ્રષ્ટાચારની આતશબાજી થઈ
- ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગને અડીને દારૂખાનાના સ્ટોલ ધમધમે છે
આણંદના પ્રશાસનમાં દિવાળી પહેલાં ભ્રષ્ટાચારની આતશબાજી થઈ છે. આણંદ પ્રાંત કચેરી દ્ધારા દારૂખાનાનું એકપણ લાયસન્સ ઈશ્યુ કરાયું નથી, છતાં આણંદ અને વિદ્યાનગરમાં ઘણી જગ્યાએ દારૂખાનાની હાટડીઓ નિયમોની ઐસીતૈસી કરીને ધમધમવા લાગી છે. પ્રાંત કચેરીમાં આ અંગે પૂછતા એક અધિકારીએ લાયસન્સ વિના ધમધમતા ફટાકટા સેન્ટરને બંધ કરાવવાની જવાબદારીનો ટોપલો નગરપાલિકા અને પોલીસ પર ઢોળ્યો હતો.
આ અધિકારીને પૂછયું કે લાયસન્સ તો તમારી કચેરીએ ઈશ્યુ કરવાના છે, તો તમારી કોઈ જવાબદારી નહીં ? તો તેમણે જણાવ્યું હતું કે મામલતદાર અને પોલીસનો રિપોર્ટ આવે તો અમે કાર્યવાહી કરીએ. તંત્રની આવી બેજવાબદાર નીતિ વચ્ચે આણંદ, વિદ્યાનગર તથા કરમસદ સહિત ઉમરેઠ પંથકમાં ઘણી જગ્યાએ દારૂખાનાની હાટડીઓ બેરોકટોક ધમધમવા લાગી છે. બીજી બાજુ આણંદ પ્રાંત કચેરીના અધિકારી હજુ સુધી તો એકેય લાયસન્સ ઈશ્યુ થયું ન હોવાનું આજે સાંજે ટેલિફોનિક વાતચીતમાં નિવેદન આપી રહ્યા છે. આણંદ શહેર નજીક વિદ્યાનગર રોડ તો ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગને અડીને દારૂખાનાના સ્ટોલ ધમધમે છે. કોની રહેમનજર હેઠળ લાયસન્સ વિના ચાલતા ફટકાડા સેન્ટરો ધમધમી રહ્યા છે. તંત્રના માણસો રોકડ અને દારૂખાનાનું ઉઘરાણું કરીને આ લાલિયાવાડી ચાલવા દેતા હોવાનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે.


