- 1 સાયકલ 1 કિમી ચલાવવાના રૂ.12 ચૂકવ્યાનો આરોપ
- મનપાએ 8.91 કરોડના ખર્ચે 1267 સાયકલ મૂકી છે
- સામાન્ય રીતે કારનું 1 કિમીનું ભાડું રૂ.10થી 12 હોય છે
સુરતમાં પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. જેમાં 1 સાયકલ 1 કિમી ચલાવવાના રૂ.12 ચૂકવ્યાનો આરોપ છે. તેમાં મનપાએ રૂપિયા 8.91 કરોડના ખર્ચે 1267 સાયકલ મૂકી છે. જેમાં સામાન્ય રીતે કારનું 1 કિમીનું ભાડું રૂ.10થી 12 હોય છે તેમાં વિપક્ષે માહિતી માગતા ચોંકવનારી હકીકત બહાર આવી છે.
એક કિલોમીટરના 12 રૂપિયા ઇજારદારને ચૂકવ્યા હોવાનો આરોપ
શહેરમાં ફરી પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં ભ્રસ્ટાચાર થયાનો આરોપ છે. એક સાયકલને ચલાવવા એક કિલોમીટરના 12 રૂપિયા ઇજારદારને ચૂકવ્યા હોવાનો આરોપ છે. મનપાએ ઇજારદારને 8.91 કરોડના ખર્ચે 1267 સાયકલ સુરત શહેરમાં મૂકી છે. સામાન્ય રીતે લક્ઝરીયસ કારનું ભાડું એક કિલોમીટરનું 10 થી 12 રૂપિયા ભાડું થતું હોઈ છે. વિપક્ષે પત્ર લખીને માહિતી માંગતા ચોંકવનારી હક્કીકત બહાર આવી છે. અગાઉ પણ અનેક વાર સુરત શહેરની પબ્લિક સાયકલ શેરિંગ વિવાદમાં આવી ચુકી છે.
વડોદરામાં સાયકલ ટ્રેકના નામે મોટો ભ્રષ્ટાચાર
અગાઉ વડોદરામાં સાયકલ ટ્રેકના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા. ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ પીએમઓ અને સીએમઓ કાર્યલય સુધી કરવા છતાં પાલિકા હવે બીજો સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરી રહી છે. વડોદરા કોર્પોરેશને આજવા રોડ વિસ્તારમાં વૃંદાવન ચોકડીથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી 4 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક 1.22 કરોડના ખર્ચે બનાવ્યો હતો. જેનું ઉદઘાટન પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલે કર્યું હતું.
સાયકલ ટ્રેકના નામે થોડાક ભાગમાં રોડ પહોળો કરી તેના પર લાલ પટ્ટા પાડી દીધા
સાયકલ ટ્રેકના નામે થોડાક ભાગમાં રોડ પહોળો કરી તેના પર લાલ પટ્ટા પાડી દીધા હતા. જે લાલ પટ્ટા પણ હવે કેટલાક સ્થળેથી ભૂસાઈ ગયા છે. પાલિકાએ સાયકલ ટ્રેકના નામે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે. સાયકલ ટ્રેક માટે કોઈ પોલિસી બનાવ્યા વગર જ આડેધડ ટ્રેક બનાવી દેવાયો છે, જેના કારણે સાયકલ ચલાવનારા લોકો સ્વસ્થ રહેવાના બદલે અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ ઉદભવી છે.
3.5 કરોડના ખર્ચે વધુ એક સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો હિતેન્દ્ર પટેલના વિસ્તારમાં સાયકલ ટ્રેકના નામે ભ્રષ્ટાચાર થયો હોય તેવું ફલિત થઈ રહ્યું છે, છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચૂપ રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજવા રોડ વિસ્તારમાં બનેલ સાયકલ ટ્રેકનો વિવાદ હજી સમી નથી રહ્યો તેવામાં પાલિકા સમા કેનાલ રોડ પર CSR ફંડ થકી 3.5 કરોડના ખર્ચે વધુ એક સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે લોકો સવારે 6 થી 9માં સાયકલ ટ્રેક પર સાયકલ ચલાવે છે, લોકો સ્વસ્થ રહે તે ઉદેશ્યથી સાયકલ ટ્રેક બનાવ્યો છે, સાયકલ ટ્રેક પર વાહનોના દબાણ બાબતે ટ્રાફિક પોલીસને પત્ર લખી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.


