- વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: CM
- રાજ્યનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ‘સુરત ડાયમંડ બુર્સ’
- CMએ બુર્સની કોર કમિટીના સભ્યો સાથે કરી બેઠક
સુરતમાં નિર્માણ પામેલા રાજ્યના સૌથી વિશાળ પ્રોજેક્ટ એવા ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદી દ્વારા 17 ડિસેમ્બરના સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરતમહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ડાયમંડ બુર્સની ઇમારત અને તેની સંચાલન વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્થાનિક અધિકારીઓએ પણ સુરત ડાયમંડ બુર્સની ભવ્યતાને ભારોભાર વખાણી હતી. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીએ આગામી તા.17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન સમારોહની પહેલી આમંત્રણ પત્રિકા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.
મુખ્યમંત્રીએ ‘સુરત ડાયમંડ બુર્સ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે.
ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે.સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.


