- ભૂપેશ બઘેલ પર રાજીવચંદ્રશેખરે સાધ્યુ નિશાન
- કહ્યું ‘જો 1.5 વર્ષ પહેલા તપાસ કરી તો કાર્યવાહી કેમ ન કરી ?’
- ભૂપેશ બઘેલે આરોપી પાસેથી 508 કરોડની લાંચ લીધી
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર મહાદેવ એપ સટ્ટાકાંડને લઇને 508 કરોડની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. જેને લઇને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ભાજપ આ મામલે કોંગ્રેસને ઘેરી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ કેટલાક આક્ષેપો કર્યા છે.
આરોપી પાસેથી જ લાંચ લીધી
આ મામલે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર શેખરે આક્ષેપો કર્યા કે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલે મહાદેવ સટ્ટાબાજીની એપ સામેની તપાસ દોઢ વર્ષ માટે મોકૂફ રાખી હતી અને એપને પ્રતિબંધિત કરવા માટે કોઈ પગલાં લીધા નહોતા. ત્યારે તેમના રાજકીય અભિયાન માટે એ જ આરોપી પાસેથી રૂ. 508 કરોડની લાંચ લીધી હતી. ઉલ્લેખનીયા છે કે ઇડીના આરોપ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મહાદેવ બેટીંગ એપ સહિત 22 એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જ્યારે ભૂપેશ બઘેલ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારે આ એપ પર પ્રતિબંધ લાવવામાં ઘણુ જ મો઼ડુ કરી દીધુ.
દોઢ વર્ષ પહેલા તપાસ કરી તો જાણ કેમ ન કરી ?
રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું કે છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે લગભગ દોઢ વર્ષ પહેલાં આ એપ્સની તપાસ શરૂ કરી હતી અને તે સંપૂર્ણપણે તેમના અધિકારક્ષેત્રમાં હતી. જો તે ઈચ્છતા હોત તો તે જ સમયે ભારત સરકાર અને MeitY (Ministry of Electronics and Information Technology) ને એક પત્ર લખીને આ એપ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હોત. પરંતુ તેમણે કોઇ જાણ કરી જ નહી. તેઓ કહે છે કે અમે પત્ર લખ્યો હતો પરંતુ ખરેખરમાં એવો કોઇ પત્ર અમને મળ્યો જ ન હોવાનું રાજીવ ચંદ્રશેખરે જણાવ્યુ હતું.તેમણે કહ્યું કે ભૂપેશ બઘેલે દોઢ વર્ષ સુધી તપાસ કામગીરી લંબાવી અને 508 કરોડ લાંચ તરીકે લેવાનો નિર્ણય કર્યો.