- બિલ્ડરો પર દરોડાની કામગીરી
- આઈટીની ટીમોના બિલ્ડરો પર દરોડા
- દારૂની બોટલો મળી આવતા હડકંપ
અમદાવાદમાં બિલ્ડરો પર દરોડા પાડવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે અને આવી જ એક રેડ દરમિયાન અમદાવાદમાં એક બિલ્ડરના ઘરેથી દારૂની બોટલો મળી આવી છે જેને કબજે લેવામાં આવી છે.
આ મામલે વધુ માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં બિલ્ડર અરવિંદ શેલડિયા વિરુદ્ધ આવકવેરા વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં આઈટીની ટીમોને દારૂની બોટલો મળી આવી હતી. એક માહિતી અનુસાર કુલ 11 જેટલી દારૂની બોટલોને સ્થળ પરથી બરામદ કરવામાં આવી હતી જેમાં દારુ પણ મળી આવ્યો હતો.
આ ઘટનાની વિસ્તૃત વિગત પ્રમાણે અમદાવાદમાં અરવિંદ શેલડિયા નામના બિલ્ડરની વિરુદ્ધમાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની રેડમાં આ બિલ્ડરને ત્યાંથી દારૂ મળી આવવાની વાત સામે આવી હતી. અંદાજિત 12 હજાર રૂપિયાની કિંમતની 11 બોટલોને સ્થળ પરથી બરામદ કરવામાં આવી હતી. જેના બાદ આ મામલે કાર્યવાહી કરાતા બોડકદેવ પોલીસ મથકે આ બાબતની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મહત્વનું છે કે આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે.
મહત્વનું છે કે આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) નવી દિલ્હી દ્વારા દેશભરમાં કરચોરો સામે કડક કાર્યવાહી કરવાના મળેલા આદેશ બાદ મુંબઇ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઇ, તામિલનાડુ અને ગુજરાત સહિતના રાજ્યોમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરો અને તેની સાથે સંકળાયેલા બ્રોકરો અને શરાફી પેઢીને ત્યાં દરોડાની પાડવાની કામગીરી કરવામાં આવી હતી. આજે અમદાવાદમાં ત્રણ બિલ્ડરો , બ્રોકર, શરાફી પેઢી અને એન્ટ્રી ઓપરેટરોને ત્યાં દરોડાની કામગીરી ચાલી હતી. ત્યારે મુંબઈ આવકવેરા વિભાગે બિલ્ડરોને ત્યાં પાડેલા દરોડાના કનેક્શનમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ટોચના એક રાજકારણી સાથે સંકળાયેલા બે બિલ્ડરો અને આઇટી કંપનીમાં પણ આજે દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રહલાદનગર અને કોર્પોરેટ રોડ ખાતે આવેલી ઓફિસ પર પણ દરોડા પડ્યા હોવાની જાણકારી સામે આવી હતી.


