- દિવાળી પહેલા મેદાનમાં દીપોત્સવી
- મેદાનને દીવડાઓથી આપ્યો અદ્ભુત શણગાર
- આંખો ઠરી જાય એવો અદ્ભુત નજારો
દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વડોદરાની ઉર્મિ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી રીતે દીપોત્સવી મનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ખાસ્સી મહેનત કરીને રમત-ગમતના મેદાનને દીવડાઓથી શણગાર કરીને અદ્ભુત રીતે શોભિત કર્યું છે.
પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા શહેરમાં કાર્યરત એકમાત્ર બીઆરજી ગ્રુપ સંચાલિત ઊર્મિ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે ખેલાડીઓ દ્વારા દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રના નેજા હેઠળ ઊર્મિ સ્કૂલ ખાતે ખેલાડીઓએ કબડ્ડીના મેદાન અને બાસ્કેટબોલના મેદાનને દીવાથી શણગાર્યા હતા. 35 જેટલા કબડ્ડીના બાળકો અને 30 જેટલા બાસ્કેટબોલના રાજ્યભરના ખેલાડીઓ દ્વારા દિવાળી તહેવારની પૂર્વે પોતાના રમત મેદાન સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વે ખેલાડીઓની પોતાના રમત મેદાન સાથેની આસ્થા અને લાગણીઓ પ્રત્યેકને નજરે પડી હતી.

આખા વર્ષ દરમિયાન ખેલાડીઓ જે રમત મેદાન પર પોતાનું પ્રશિક્ષણ લે છે અને એ પ્રશિક્ષણના સથવારે પોતાની રમતમાં રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે નામના પ્રાપ્ત કરે છે ત્યારે એ ખેલાડીઓની લાગણી પોતાના રમત મેદાન સાથે કેટલી જોડાયેલી હોય છે તેનું આ તાદ્રશ્ય ઉદાહરણ છે. દિવાળીનું વેકેશનની શરૂઆત થનાર હોય પોત પોતાના ઘરે જતા ખેલાડીઓ દ્વારા પોતાના રમત મેદાનની સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે જોઇને સંકુલમાં ઉપસ્થિત પ્રત્યેકની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

દિવાળીના દિવસોમાં આ પ્રકારની દીપોત્સવી એક અલગ જ ઊર્જાથી ઓતપ્રોત કરી દે છે. બાળકોની ઉમંગ અને ઉર્જાથી આ મેદાન અને તેના દીવડાઓનો રંગ ઓર નિખરીને શોભી આવ્યો છે. તેનાથી દિવાળીની રોનક વધી હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર આ બાળકોની મહેનત અને તેમની લાગણીઓને વખાણવી જોઈએ.


