- ચાલુ વર્ષે જીઓ-પોલિટિકલ ટેન્શન અને મંદીથી નિકાસ માગમાં 25-30% ઘટાડો
- ગુજરાતમાં કેમિકલ્સ અને ડાયસ્ટફ્ના 2,000થી વધુ એકમો આવેલા છે
- મોટાભાગના યુનિટ્સ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં છે
દિવાળીના તહેવારોના સમયે જયારે અન્ય ઉદ્યોગો સારી સ્થિતિમાં છે ત્યારે ગુજરાતની બેઝિક કેમિકલ્સ અને કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક પરીબળોના કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે. છેલ્લા લાંબા સમયથી રશિયા અને યૂક્રેન વચ્ચે લડાઈ થઇ રહી છે અને હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે ઘણા દેશોની આર્થિક સ્થિતિને અસર કરી છે. આ બધાના પરિબળોની અસરે ટેક્સ્ટાઈલ, ફર્માસ્યૂટિકલ્સ, એગ્રિકલ્ચર સહિતના ઉદ્યોગોને અસર થઇ છે. યુરોપ, અમેરિકા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, તુર્કી, પાકિસ્તાન સહિતના દેશોમાં મંદી આવેલી છે તેના લીધે બેઝિક કેમિકલ્સ અને કેમિકલ ઇન્ટરમીડિયેટ્સની માગમાં આ વર્ષે 35-40% જેવો ઘટાડો થયો છે. ડીમાંડ ઓછી થવાથી ગુજરાતના કેમિકલ્સ અને ડાયસ્ટફ્ એકમો 40% જેવી ઓછી ક્ષમતાથી કામ કરી રહ્યા છે. બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક્સ એન્ડ ડાય્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (કેમિકલ્સ-CHEMEXCIL)ના આંકડા પ્રમાણે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ 33%, એસેન્શિયલ કેમિકલ્સની નિકાસ 20% અને ડાય્સની નિકાસ 12% જેવી ઘટી છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે ઓવરઓલ એક્સ્પોર્ટ 25-30% જેવી ઘટી છે. આ ઉપરાંત ડોમેસ્ટિક માર્કેટમાં પણ મંદીની અસર વર્તાઈ રહી હોવાથી લિમિટેડ ડીમાંડ જોવા મળે છે. ગુજરાતમાં કેમિકલ્સ અને ડાયસ્ટફ્ના 2,000થી વધુ એકમો આવેલા છે. મોટાભાગના યુનિટ્સ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં છે.
40% ઓછી કેપેસિટીમાં કામ થઇ રહ્યું છે
કેમિકલ્સ ગુજરાત રિજનના ચેરમેન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે વોરની સ્થિતિ હોવાથી ઘણી ઇન્ડસ્ટ્રીઝ માટે કેમિકલ્સ અને ડાય્સ એ એસેન્શિયલ પ્રોડક્ટ હોવા છતાં ગ્લોબલ અને ડોમેસ્ટિક માર્કેટમાં મંદી ચાલી રહી છે. માંગ કરતા પુરવઠો વધારે છે તેના કારણે 40% ઓછી ક્ષમતામાં કામ થઇ રહ્યું છે. ફર્માસ્યૂટિકલ, પીગમેન્ટ, ટેક્સ્ટાઈલ સહિતના ઉદ્યોગો તરફ્થી ડીમાંડ ઘણી ઓછી હોવાથી ઉત્પાદકોએ પ્રોડક્શનમાં કાપ મુક્યો છે. આવતા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થાય તો પ્રોડક્શનમાં વધારે કાપ મુકાય તેવી સંભાવના નકારી શકાય નહી.
વૈશ્વિક મંદીની મોટી અસર થઇ
મેઘમણી ઓર્ગેનિક્સના રમેશ પટેલે જણાવ્યું કે, વોરની સિચ્યુએશન અને મની ક્રાઈસિસના કારણે ગ્લોબલી કેમિકલ્સની ડીમાંડ ઘટી ગઈ છે. વૈશ્વિક મંદીના કારણે ટેક્સટાઈલના જે મોટા માર્કેટ છે ત્યાં મંદી આવી છે. આર્થિક સ્થિતિ પણ બગડી છે. બાંગ્લાદેશ, તુર્કી, વિયેતનામ, બ્રાઝિલ, યુરોપના દેશોમાં મની ક્રાઈસિસના કારણે એગ્રો કેમિકલ્સ, પીગમેન્ટ સહિતના કેમિકલ્સમાં માંગમાં 25-30% જેવો ઘટાડો થયો છે. આ સ્થિતિમાં ઉત્પાદકો પાસે પ્રોડક્શન ઘટાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો.
જાન્યુઆરી પહેલાં સુધારો થવાની ઓછી અપેક્ષા
ગુજરાત ડાયસ્ટફ્ મેન્યુફેકચરર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખે કહ્યું કે, ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ દિવાળી ખરાબ છે. વૈશ્વિક મંદીના કારણે નિકાસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ડોમેસ્ટિક માર્કેટમાં પણ કોઈ ખાસ માંગ નથી જેના કારણે ઉત્પાદકોએ પ્રોડક્શન 30% જેવું ઓછુ કર્યું છે. વર્તમાન સંજોગોમાં ઇન્ડસ્ટ્રીને તાત્કાલિક કોઈ રાહત મળે તેવા સંકેતો નથી. આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી માંગમાં સુધારો થાય તેવી અપેક્ષા છે. જૂન-જુલાઈ આસપાસ કાચા માલના ભાવ વધી ગયા હતા, જોકે ઓવરઓલ ડીમાંડ ઓછી થઇ જવાથી રો-મટિરિયલ સસ્તું થયું છે તે રાહતની વાત છે.


