- દિવાળી ટાણે વીજળી ડૂલની બોણી
- સબ સ્ટેશનમાં બેટરી ડાઉન થતા પરેશાની સર્જાઈ
- લખતર તાલુકાના 7 ગામોને મંગળવારની રાત્રી અંધારમાં વીતાવવી પડી
લખતર પાસે આવેલ જેટકોના સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર સળગી જતા અને બેટરી ડાઉન થઈ જતા લખતર તાલુકાના 7 ગામોને મંગળવારની રાત્રી અંધારમાં વીતાવવી પડી હતી. બીજી તરફ આ સમસ્યાને લીધે વાયરો તુટી જતા તેની રિપેરીંગ કામગીરી પણ પાણીમાંથી પસાર થઈને જીવના જોખમે કર્મીઓને કરવી પડી હતી.
લખતર પાસે જેટકોનું સબ સ્ટેશન આવેલુ છે. મંગળવારે મોડી સાંજ બાદ એક 11 કેવીનું ટ્રાન્સફોર્મ બળી જતા બેટરી ડાઉન થઈ ગઈ હતી. જેને લીધે લખતર તાલુકાના આદલસર, લીલાપુર, કારેલા, સવલાણા, કેસરીયા, ઈંગરોળી અને ઢાંકી સહિતના ગામોમાં અંધારપટ છવાયો હતો. અને રાત્રે 9-30ના સમયે ગયેલી લાઈટ બુધવારે સવારે 10-30 કલાક બાદ આવતા આ ગામોના લોકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. બીજી તરફ આ સમસ્યાને લીધે વીજ વાયરો પણ તુટી ગયા હતા અને આદસલર રોડ પર આવેલી ખજુરી તલાવડીમાં પીજીવીસીએલના લાઈન ઈન્સપેકટર જે. એ. બારીયા, લાઈન મેન રાજુભાઈ કટારા, વાયરમેન સુરેશ બામણીયા સહિતનાઓ રિપેરીંગ માટે પહોંચ્યા હતા. પરંતુ આ સ્થળે માફીયાઓએ માટી ખોદી નાંખતા તલાવડીના પાણીમાંથી વીજ કર્મીઓને ભયજનક રીતે પસાર થવુ પડયુ હતુ અને રિપેરીંગ બાદ વીજ પુરવઠો કાર્યાન્વીત કરાયો હતો.


