- ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 34મો દિવસ
- યુદ્ધ વચ્ચે લોકો ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ તરફ સ્થળાંતર
- અત્યાર સુધીમાં 10,500 પેલેસ્ટાઈનના મોત
ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 34મો દિવસ છે. ગાઝા શહેરના બે ટુકડા કર્યા બાદ ઈઝરાયલી સૈનિકોએ હમાસ વિરુદ્ધ યુદ્ધ અભિયાન વધુ તેજ કરી દીધું છે. મંગળવારે 15,000 થી વધુ લોકો ઉત્તર ગાઝા છોડવામાં સફળ થયા. ઇઝરાયેલી સૈનિકો દ્વારા આ ક્ષેત્રમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં 10,500 પેલેસ્ટાઈનના મોત
ઈઝરાયેલના સૈન્ય અભિયાનમાં અત્યાર સુધીમાં 10,500 લોકો માર્યા ગયા છે. હજારો પેલેસ્ટિનિયનો પગપાળા ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ પ્રદેશ તરફ સ્થળાંતર કરી રહ્યા છે.ઇઝરાયેલી સૈનિકોએ ઘણા આંતરરાષ્ટ્રીય પત્રકારોને ઉત્તરી ગાઝામાં જવા દીધા. પત્રકારોએ અહેવાલ આપ્યો કે ઉત્તર ગાઝામાં દરેક જગ્યાએ વૃક્ષો જમીન પર પડી ગયા છે. ઘણી ઇમારતો ત્યજી દેવાયેલી છે. કેટલીક જગ્યાએ રોકેટના અવશેષો છે તો કેટલાક ઘરોમાં પેલેસ્ટિનિયન ધ્વજ લટકેલા છે. ઈમારત ખાલી હોવાથી ઈઝરાયેલના સૈનિકો ઈમારતની અંદર દારૂગોળાનો સંગ્રહ કરી રહ્યા છે અને યુદ્ધની વ્યૂહરચના બનાવી રહ્યા છે.
ગાઝામાં 3 લાખ લોકોએ ઘર છોડી દીધું
પત્રકારોએ લગભગ 2 કલાક સુધી ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. જો કે, જ્યાં ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યાં પત્રકારો જઈ શક્યા ન હતા. તે જ સમયે, ઇઝરાયેલના સૈનિકોએ પત્રકારોને વધુ ન ફરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ ગાઝાની 70 ટકા વસ્તીને ઘર છોડવાની ફરજ પડી છે. UN અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 3 લાખ લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે.
યુદ્ધવિરામનો કોઈ પ્રશ્ન નથી: બેન્જામિન નેતન્યાહુ
તમને જણાવી દઈએ કે હાલમાં ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામની વાતોને ઘણી પાછળ છોડી દીધી છે. નેતન્યાહુનું કહેવું છે કે જ્યાં સુધી હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલના તમામ નાગરિકોને તેમની કેદમાંથી મુક્ત કરે ત્યાં સુધી અમે યુદ્ધવિરામ વિશે વિચારી શકતા નથી.


