- ભરૂચના રસ્તા પર પેચિંગવર્કની કામગીરી કરાઈ
- જાહેરસ્થાનકો તેમજ રસ્તા અને અન્ય સ્થળોની સાફસફાઈ કરાઈ
- વિવિધ વિસ્તારોની સ્ટ્રીટ લાઈટ ઝળહળતી થાય તે માટેનું આગવુ આયોજન કરાયુ
દિપાવલી પર્વ લોકોમાં સ્વચ્છતા અને સુઘડતાના પર્વ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ઘણા લાંબા વરસો બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે નગરના મુખ્ય રસ્તાનું પેચીંગ વર્ક કરાય રહ્યુ છે તેમજ રસ્તા પર ધુળ ન ઉડે તેના માટે ખાસ તજવીજ કરવામાં આવી રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષ દરમ્યાન રસ્તાના જુદા જુદા કામકાજો કરવામાં આવતા હોય છે પરંતુ આ વરસે દિપાવલી પર્વ નિમિત્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચ નગરને આગવુ અને સુંદર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે જેનો અમલ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતીબેન યાદવ તેમજ કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહ્યો છે.
વરસો પહેલા ભરૂચ નગરપાલિકામાં એક એવી પ્રથા હતી કે, દિપાવલી પર્વ નિમિત્તે જયારે લોકો ઘરની સાફસફાઈ કરે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ જાહેરસ્થાનકો તેમજ રસ્તા અને અન્ય સ્થળોની સાફસફાઈ કરવામાં આવતી હતી તેવી જ પ્રથા ફરી લાગુ કરવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે, ભરૂચ નગર નૂતનવર્ષના દિવસે તેમજ દિપાવલી પર્વના દિવસો દરમ્યાન સુંદર રહે તો નગરમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિમાં વધારો થાય તેથી આ આખી યોજના ઘડવામાં આવી છે જે બાબતે ભરૂચ પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો તેમજ કર્મચારીઓ અને શ્રામજીવીઓનો પણ સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. ખુબ ઓછા દિવસોમાં ભરૂચ નગરને સ્વચ્છ કરવુ એ એક કઠિન કામ હોવા છતાં આ કામ હાથમાં લેવામાં આવ્યુ છે અને તે હવે પુર્ણતાને આડે છે.
આ અંગે કારોબારી સમિતિના ચેરમેને જણાવ્યુ હતુ કે, ભરૂચ નગરમાં મુખ્ય રસ્તાની સાફ સફાઈ ઉપરાંત વિવિધ વિસ્તારોની સ્ટ્રીટ લાઈટ ઝળહળતી થાય તે માટેનું આગવુ આયોજન કરાયુ છે. લોકો તેમજ વાહન વ્યવહારને આવી સાફ સફાઈના પગલે કોઈ અડચણ ન થાય તે માટે રાત્રિના સમયે પણ ભરૂચ નગરપાલિકાનો સ્ટાફ તેમજ કામદારો સતત સફાઈ કામ કરી રહ્યા છે. રાત્રિના સમયે સફાઈ કામ ખુબ ઝડથી થઈ રહ્યુ છે આ તમામ બાબતો જોતા એમ કહી શકાય કે નૂતનવર્ષની શરૂઆત ભરૂચમાં સ્વચ્છતાભર્યા વાતાવરણમાં થશે જેમાં મુખ્ય રસ્તા પર જયાં સ્વચ્છતાની રોનક હશે ત્યાં પાલિકા દ્વારા લાઈટો દ્વારા વિકાસનો ઝગમગાટ રહેશે સાથે માનવ કલ્યાણ માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર ટીમ હવે વિકાસના કામોમાં લાગી પડી છે
ભરૂચ નગરપાલિક દ્વારા હાલ જે કામકાજો ચાલી રહ્યા છે તે માત્ર દિપાવલી પર્વને અનુલક્ષીને જ નહી પરંતુ દિપાવલી પર્વ નિમિત્તે શરૂઆત કરી અને સમગ્ર વર્ષ દરમ્યાન સ્વચ્છતા અંગે પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ કોઈ જગ્યાએ કોઈ ખૂણામાં અંધકાર ન રહે તે માટેની તકેદારી રાખવામાં આવશે. રોડ, રસ્તા, પાણી અને વીજળી તેમજ અન્ય બાબતો અંગે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે અને આ બાબતોના આધારે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે કારોબારી સમિતિના ચેરમેને જણાવ્યુ કે, આ કોઈ એક વ્યકિતનું કામ નથી પરંતુ સમગ્ર ટીમ હવે વિકાસના કામોમાં લાગી પડી છે જેની અસર ધીમે ધીમે લોકો સુધી પણ પહોંચી રહી છે.


