- કંપની, વાહનોના ધુમાડાઓ, ફટાકડાના કારણે હવા પ્રદૂષિત
- આજે અમદાવાદમાં ઓવરઓલ 127 AQI રહ્યો
- નવરંગપુરામાં 137, રખિયાલમાં 185 AQI છે
અમદાવાદની હવાના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં કંપની, વાહનોના ધુમાડાઓ, ફટાકડાના કારણે હવા પ્રદૂષિત થઇ છે. આજે અમદાવાદમાં ઓવરઓલ 127 AQI છે. તેમજ નવરંગપુરામાં 137, રખિયાલમાં 185 AQI તથા ચાંદખેડામાં 105 AQI રહ્યો છે.
ગઈકાલ કરતા આજે પ્રદૂષણનું AQI થોડું ઘટ્યું
ગઈકાલ કરતા આજે પ્રદૂષણનું AQI થોડુ ઘટ્યું છે. શહેરમાં હવામાં ઠંડક વધતાંની સાથે જ હવામાં પ્રદૂષણની માત્રાનો ઇન્ડેક્સ 254 થયો જે હવા ખરાબ હોવાનું દર્શાવે છે. વહેલી સવારથી શહેરની હવા ખુબજ ખરાબ જોવા મળી છે. અગાઉના આંકડા મુજબ, શહેરના બોપલ 273, પીરાણા 312, ચાંદખેડા 199 અને નવરંગપુરા 193 હવા પ્રદૂષણ જોવા મળ્યું હતુ. પ્રદૂષિત હવાના કારણે શહેરમાં કેટલાક લોકો શ્વાસને લગતી બીમારીઓના શિકાર બન્યા છે.
અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે થયું
અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા 5 વર્ષમાં 200થી વધારે થયું છે. ત્યારે 10 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા બાળકોમાં અસ્થમાની બીમારી વધુ જોવા મળી છે. અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન વધવા માટે માત્ર મ્યુનિ. તંત્ર જવાબદાર હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના માનવા મુજબ 36 % રોડ ડસ્ટ 34 % ઘરેલુ વિવિધ ઉપયોગને કારણે STP પ્લાન્ટ તથા ઇન્ડ્રસ્ટીઓ દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃતિઓને કારણે એર પોલ્યુશન વધવા પામે છે.
અસ્થમાથી પીડાતા લોકોની સંખ્યામાં 45 ટકાનો વધારો
વાહનોના ધુમાડા, કન્સ્ટ્રક્શન સાઈટ, ઔદ્યોગિક પ્રદૂષણ સહિતના કારણોથી હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. એસજી હાઈવે પર પ્રદૂષણના કારણે સાંજ પહેલાં જ ધુમ્મસની હળવી ચાદર છવાઈ જવાના નજારા જોવા મળ્યા છે. ઠંડીમાં હવાના ઉપરના લેવલનું દબાણ હોવાથી પ્રદૂષણ નીચેની હવામાં સ્થિર થતું હોય છે. પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં અસ્થમાથી પીડાતા લોકોની સંખ્યામાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે.


