- મારામારી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ
- વસંત ભોજાણીના ઘરે અને કારમાં કર્યો પથ્થરમારો
- સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
દિવાળીના દિવસે વિવિધ ઘટનાઓ બની રહી છે. જેમાં શનિવારે રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદમાં મારામારી સહિત રાયોટિંગની ઘટના સામે આવી છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકરનગરમાં મારામારી, રાયોટીંગ સહિતની ઘટના ઘટિત થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ ફરિયાદી વસંત ભોજાણીના ઘર પર તેમજ swift કાર પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટના અંગે પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી વસંત ભોજાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 12 નવેમ્બર 2023ના રોજ રાતે 12:00 વાગ્યાના અરસામાં ઘરે હતા. ત્યારે અમારા વિસ્તારમાં રહેતા સાહિલ કંટારીયા તથા યશ મકવાણા પ્રકાશ મહીડા તમામ લોકો ફટાકડા ફોડતા હતા. જેથી મારા ભાઈ પંકજ દ્વારા ફટાકડા દૂર ફોડજો મારા ઘરની નજીક ન ફોડતા તેવું કહેવામાં આવ્યું હતું. જેથી ત્રણેય વ્યક્તિઓએ ઘરની બહાર બાળકના ફટાકડા સળગાવી નાખ્યા હતા. જેથી ના પાડવા જતા તેઓ ગાળો બોલવા લાગ્યા હતા તેમજ ઝઘડો કરવા લાગ્યા હતા.
આ સમગ્ર મામલે હેતલ મકવાણા નામની મહિલા સહિત 11 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રકાશ મહીડા તેમજ તેના પિતા ચંદુ મહિડા તેમજ તેની સાથે રહેલા રમેશ મકવાણા, કૌશિક કંટારીયા, સાગર તથા કાનજી બાબરીયા તેમજ દિલીપ સોહેલિયા, રવિ પરમાર સહિતના બધા લોકો આવી પહોંચ્યા હતા. તેમજ રમેશ રાણા તથા તેનો દીકરો યશ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ‘તમે અમારા છોકરાઓને ફટાકડા ફોડવાની ના કેમ પાડશો’ તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જે દરમિયાન રમેશ રાણા ઉશ્કેરાઈ જતાં વસંત ભોજાણીને જમણા પગમાં છરીનો એક ઘા માર્યો હતો. જ્યારે કે રમેશના દીકરા યસને પણ ડાબા પગમાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો.
તેમજ પંકજ તથા તેનો દીકરો પાર્થ વચ્ચે પડતા પંકજભાઈને પણ છરીનો ઘા સાગર ગોહિલ દ્વારા મારવામાં આવ્યો હતો. તેમજ વસંત ભોજાણીના ભત્રીજા પાર્થને પણ પગમાં છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં વસંત ભોજાણીની પત્ની અમૃતા તેમજ ભાભી પૂનમબેનને પણ માર મારવામાં આવ્યો હતો.


