- ગૃહ રાજ્યમંત્રીએ STના કર્મીઓની કામગીરી બિરદાવી
- ST સ્ટાફ ડ્રાયવર,કંડકટર મિત્રોને મોઢું મીઠું કરાવ્યું
- ST ડેપો પર હાજર મુસાફરોને તહેવારની શુભેચ્છા પાઠવી
જ્યારે સૌ કોઈ તહેવારોની ઉજવણીમાં લાગી ગયું છે ત્યારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ એસ.ટી વિભાગ દ્વારા સતત લોકોને પોતાના સ્થાન સુધી પહોંચાડવા માટેનું કામ કરી રહ્યું છે. જેના અંગે ગૃહ રાજ્યમંત્રીએ STના કર્મીઓની કામગીરી બિરદાવી હતી.
દિવાળી તેમજ નવા વર્ષ તહેવાર નિમિત્તે રાજ્યના મંત્રીએ ખાસ રીતે મુલાકાત લીધી હતી. તેમજ ST સ્ટાફ ડ્રાયવર,કંડકટર મિત્રોને મોઢું મીઠું કરાવ્યું હતું અને તેમના કામની પ્રશંસા કરી હતી. સાથે જ ST ડેપો પર હાજર મુસાફરોને તહેવારની શુભેચ્છા પાઠવી હતી.
આ વર્ષે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 2200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી 1000 બસને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રવાના કરવામાં આવી હતી. આ સાથે જ આ બસમાં જનાર લોકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં લોકોએ કહ્યું હતું કે, આ મંદીના માહોલમાં આ વ્યવસ્થા ખૂબ જ સારી કરવામાં આવી છે. આવું દર વર્ષે આયોજન કરજો.
માત્ર છેલ્લા બે દિવસમાં સુરત એસટીને 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી. 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.


