- પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ
- ભારત ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું
- આ મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમની પિચ વિવાદમાં રહી
ICC વર્લ્ડકપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ભારત તેની ફાઇનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમની પિચ વિવાદમાં રહી હતી. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય બોલરોના ફાયદા માટે મેચ બીજી પિચ પર રાખવામાં આવી હતી. આ વિવાદો વચ્ચે ICCનું નિવેદન સામે આવ્યું છે. ICCએ પિચના ટીકાકારોને સખત ઠપકો આપ્યો છે.
ICCએ ટીકાકારોને ફટકાર લગાવી
ICCએ પિચ વિવાદ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે કોઈપણ ટૂર્નામેન્ટમાં પિચ રોટેશન સામાન્ય છે. જો કોઈ ટૂર્નામેન્ટ લાંબા સમય સુધી રમાય તો નિયમો કહે છે કે પિચ બદલી શકાય છે. ICCએ વધુમાં કહ્યું કે આ નિર્ણય ક્યુરેટર-હોસ્ટ બોર્ડ સાથે મળીને લેવામાં આવ્યો છે. ICCએ વધુમાં કહ્યું કે અમને પહેલાથી જ ખબર હતી કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ દરમિયાન પિચ બદલાવાની છે. પ્રથમ સેમીફાઈનલમાં પિચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને ભારતના ફાયદા માટે પિચ બદલવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે ICCએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ આરોપ પાયાવિહોણા છે, કારણ કે લાંબી ટૂર્નામેન્ટમાં આ સામાન્ય બાબત છે.
મોહમ્મદ શમીનો જાદુ
ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ICC વર્લ્ડકપની બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. જે ટીમ આ મેચ જીતશે તે 19 નવેમ્બરે ભારત સામે ફાઈનલ રમશે. સેમિફાઇનલ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદીની ઇનિંગ્સ રમી હતી, જ્યારે મેન ઓફ ધ મેચ મોહમ્મદ શમીએ એકલા હાથે 7 વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતે 2019 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારનો બદલો પણ લઈ લીધો છે.


