- વડોદરામાં અકોટા સ્ટેડિયમમાં વ્યવસ્થા
- વિશાળ સંખ્યામાં લોકો માટે બેઠકનું આયોજન
- સયાજીબાગ ગેટ નંબર 2 પર સ્ક્રીન ગોઠવાઈ
આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઈનલ મેચ રમાઈ રહી છે. જેને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલર્ટ મોડ પર છે અને તેમની સુરક્ષા પર સતત ચાંપતી નજર છે. ત્યારે ગુજરાતની જનતામાં આ મેચને લઈને ક્રિકેટિંગ ફિવર હાઈ પર છે. કંઈંક આવી જ સ્થિતિ ગુજરાતની સંસ્કાર નગરી ગણાતી વડોદરામાં પણ છે.
વડોદરાની જનતામાં પણ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને એક ફિવર તેના હાઈ પર છે. લોકો અતિ રોમાંચિત છે અને ભારતને 1983 અને 2011 બાદ વધુ એકવાર રોહિતની આગેવાની હેઠળ રહેલી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ટ્રોફીને હાથમાં લઈને જોવા માટે તલપાપડ છે. ત્યારે વડોદરાના રહીશો, જનતા તેમજ સ્થાનિકોની આ લાગણીને ધ્યાને રાખીને વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા મનપા દ્વારા ગાંધીનગર અને રાજકોટ મનપાની જ તર્જ પર મેચનું વિશાળ એલઈડી સ્ક્રીન પર વર્લ્ડકપની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ વડોદરા શહેરની અને આસપાસના વિસ્તારની જાહેર જનતા લઈ શકશે. તેના માટે વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે તેના સયાજીબાગ ગેટ નંબર 2 ફાઈનલ મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિશાળ સંખ્યામાં લોકો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત વિશાળ એલઈડી સ્ક્રીન પર ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે. અહીં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને મેચ જોઈ શકે અને ટીમ ઈન્ડિયાને ચીયર કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી અકોટા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
મહત્વનું છે કે આવી જ વ્યવસ્થા રાજકોટ મનપા દ્વારા પણ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા રેસકોર્સ પાસે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં રાજકોટિયન્સ માટે ખાસ વિશાળ સ્ક્રીન લગાવવામાં આવી છે. અહીં મેચનું લાઈવ ટેલિકાસ્ટ 80*30 ની વિશાળ સ્ક્રીન પર થઈ રહ્યું છે, જેથી લાઈવ ટેલિકાસ્ટ જોઈ રાજકોટિયન્સ ટીમ ઈન્ડિયાને ચીયર કરી શકે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં પણ જાહેર જનતા માટે આવી જ વ્યવસ્થા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કરવામાં આવી છે. અહીં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ટીમ ઈન્ડિયાને ચીયર કરે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે.


