- વિશ્વ કપની ફાઇનલ માટે કપિલ દેવને જ આમંત્રણ નહીં
- કપિલદેવની ગેરહાજરી ઘણા બધા લોકો માટે ચોંકાવનારી
- વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વિશ્વ કપ હાંસલ કરી ઈતિહાસ રચી દીધો હતો
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહી હતી ત્યારે દેશને 1983માં પ્રથમવાર વિશ્વ કપ જીતાડીને દેશમાં ક્રિકેટને લોકપ્રિયતાની ટોચ પર પહોંચાડી દીધું હતું તે વિજેતા ટીમના કેપ્ટન કપિલદેવને આ મેચમાં હાજર રહેવા માટે આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું તેમ ખુદ કપિલદેવ જ કહે છે. જ્યારે કપિલદેવને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે ફાઇનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર નથી ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મને ત્યાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમણે મને ફોન ના કર્યો તેથી હું ગયો નહીં. વાત આટલી સીધી જ છે. હું 1983ની સંપૂર્ણ વિજેતા ટીમને લઇને આ ઇવેન્ટમાં હાજર રહેવા માંગતો હતો પણ મને લાગે છે કે આ એક મોટી ઇવેન્ટ છે અને લોકો જવાબદારીઓ નિભાવવામાં એટલા બધા વ્યસ્ત થઇ જતાં હોય છે કે તેઓ ક્યારેક ભૂલી જતાં હોય છે.
કપિલદેવની ગેરહાજરી ઘણા બધા લોકો માટે ચોંકાવનારી
નોંધનીય છે કે અહેવાલો અનુસાર બીસીસીઆઈ બે ઈનિંગ વચ્ચેના બ્રેક દરમિયાન અત્યાર સુધીના તમામ વિશ્વ કપ વિજેતા ટીમના કેપ્ટન્સનું સમ્માન કરવાનું હતું તેથી ભારતના પ્રથમ વિશ્વ કપ જીતાડનારા કપિલદેવની ગેરહાજરી ઘણા બધા લોકો માટે ચોંકાવનારી હતી. નોંધનીય છે કે 25 જૂન, 1983ના રોજ કપિલદેવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં લોડ્ર્ઝના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વિશ્વ કપ હાંસલ કરી ઈતિહાસ રચી દીધો હતો.


