- નર્સિંગ-ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થયાનો મામલો
- ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓની સજાનો નિર્ણય 8મીએ મળનારી બોર્ડની બેઠકમાં લેવાશે
- વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરવામાં કસૂરવાર ઠર્યાં
ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષનાં 16 અને ફિઝિયોથેરાપીના 3 મળી કુલ 19 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થયાની ઘટનામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરવામાં કસૂરવાર ઠર્યાં છે. આથી આ તમામ વિદ્યાર્થીઓના હવે પછીના ઉચ્ચ અભ્યાસ પર રોક લગાવતો ગુજરાત યુનિ. દ્વારા 8મી ડિસેમ્બરના રોજ મળનારી પ્રથમ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય આ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ પણ રદ કરાય તેવું જાણવા મળ્યું છે. યુનિ. દ્વારા બોર્ડમાં નિર્ણય લેવાયાં બાદ અન્ય યુનિ.ઓ અને શિક્ષણ વિભાગમાં પણ આ અંગેની જાણ કરાશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ગુજરાત યુનિ.માં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થવાની ઘટનાને NSUIએ ઉજાગર કરી હતી. એ પછી યુનિ. દ્વારા પોલીસ ફરિયાદ કરાતાં વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા હતા જેમાં કુલ 16 વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી હોવાનું સાબિત થયું હતુ. આ સાથે ઉત્તરવહીકાંડમાં અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં યુનિ. બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો સેવક સંજય રામાભાઈ ડામોર તેમજ અન્ય બે એજન્ટ સન્ની મુકેશભાઈ ચૌધરી અને અમિત સુરેશભાઈ સિંગ પોલીસ કસ્ટડીમાં છે. આ મામલો ચાલતો હતો એવામાં ફિઝિયોથેરાપી વિભાગમાં પણ ઉત્તરવહી ગેરરીતિનું કૌભાંડ સામે આવ્યું હતુ. આ બંને ઘટનામાં પોલીસ તપાસ થયાં બાદ કુલ 19 વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરવામાં સામેલ હોવાથી યુનિ, દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી માટે કમિટી નિમવામાં આવી હતી.


