- હેબ્રોન એપાર્ટમેન્ટમાં સિલિન્ડરમાં લીકેજ થતા આગ
- ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
- આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
અમદાવાદમાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં એક ફ્લેટમાં ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. જે પછી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ અને પોલીસ તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફ્લેટમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. ખોખરા વિસ્તારમાં કાશી વિશ્વનાથ મહાદેવથી ખ્રિસ્તી સોસાયટી તરફ આવેલા હેબ્રોન એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગી હતી. ઘરના સભ્યો દ્વારા વહેલી સવારે પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવામાં આવ્યો, ત્યારે અચાનક જ આગ લાગી હતી.
પ્રારંભિક માહિતી અનુસાર, ગેસનો બાટલો લીકેજ હોવાના કારણે આગ લાગતા ઘરના સભ્યો દોડીને બહાર નીકળી ગયા હતા. આગમાં ઘરના એક વૃદ્ધને સામાન્ય ઇજા થઈ હતી. આ ઘટના અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.
જે પછી આગના પગલે ઘરમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ખોખરા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે સ્થાનિક ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલ પણ તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ કઈ રીતે લાગી તે મામલે પોલીસ દ્રારા એફએસએલની મદદ લેવાશે. જ્યારે આગની થોડી જ્વાળા મોઢા અને હાથ ઉપર લાગી ગઈ હતી. આગ લાગતા તમામ લોકો દોડીને બહાર નીકળી ગયા હતા.


