- ચીનમાં બનેલાં નકલી ફેસબુક એકાઉન્ટ્સના નેટવર્કને મેટાએ સંપૂર્ણ ખતમ કરી નાખ્યું
- રિપોર્ટમાં ભારત વિશે ખોટા સમાચારો ફેલાવનાર એવાં એકાઉન્ટ્સનો ઉલ્લેખ
- સમાચારો ફેલાવનાર એકાઉન્ટ્સની સંખ્યા સતત વધી રહી હતી
મેટાના તાજેતરના એક રિપોર્ટમાં ભારત વિશે ખોટા સમાચારો ફેલાવનાર એવાં એકાઉન્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની સંખ્યા સતત વધી રહી હતી અને જે હકીકતે ચીનમાંથી ઓપરેટ થઈ રહ્યાં હતાં. રિપોર્ટમાં યૂઝરોના મત અને જુદાજુદા મુદ્દે ચાલતી ચર્ચાને અસર કરવા માટે આ એકાઉન્ટ્સ દ્વારા અપનાવાતી ખાસ રણનીતિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. દર ત્રિમાસિકે પ્રગટ થતા થ્રેટ રિપોર્ટમાં મેટાએ ખુલાસો કર્યો છે કે તેણે ચાલુ વર્ષની શરૂઆતમાં ચીનમાં બનાવાયેલાં નકલી એકાઉન્ટ્સના ઘણા મોટા નેટવર્કને ખતમ કરી નાખ્યું છે. ભારતીય નાગરિક હોવાનો દેખાડો કે ઢોંગ કરનારાં આ ફેસબુક એકાઉન્ટ્સ ભારતીય રાજકારણ અને રાષ્ટ્રીય સુરક્ષાના ઘણા મુદ્દે ભ્રામક માહિતીઓ ફેલાવવામાં સક્રિય રીતે સામેલ હતાં. અરુણાચલપ્રદેશ કેન્દ્રિત એકાઉન્ટ્સ દ્વારા ભારત સરકાર પર ભ્રષ્ટાચાર અને ભારતીય રાજ્ય મણિપુર હિંસાનું સમર્થન કરવાનો આરોપ કરાયો હતો. મેટાએ દાવો કર્યો છે કે તેણે આ નેટવર્કને તેનાં બધાં જ પ્લેટફોર્મ્સ પરથી સંપૂર્ણ ખતમ કરી નાખ્યું છે.


