- જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોના મોત
- તમામ 11 લોકો ક્લાઇમ્બર્સના હોવાની પ્રાથમિક માહિતી
- 75 પર્વતારોહકોએ શનિવારે પર્વત પર ચઢવાનું કર્યું હતુ શરૂ
ઇન્ડોનેશિયામાં એક વિશાળ જ્વાળામુખીના વિસ્ફોટથી મોટા પ્રમાણમાં તારાજી સર્જાઇ છે. જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોના મોત થયા છે અને ઘણા લોકો ગૂમ થયા છે. મૃત્યુ પામેલા તમામ 11 લોકો ક્લાઇમ્બર્સના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રાના આગમ પ્રાંતમાં માઉન્ટ મરાપી અચાનક ફાટી નીકળ્યો. તેના કારણે આકાશમાં 3 કિલોમીટર લાંબી રાખનો જાડો પડ ઢંકાઈ ગયો. તેના વાદળો ચારે બાજુ ફેલાઈ ગયા. 75 પર્વતારોહકોએ શનિવારે પર્વત પર ચઢવાનું શરૂ કર્યું. પર્વતની ઊંચાઈ 2,900 મીટર છે.
આ અકસ્માત બાદ 49 લોકોને ત્યાંથી બચાવી લેવાયા છે. માહિતી મળી રહી છે કે સોમવારે વધુ એક નાનો વિસ્ફોટ થયો હતો, જેના કારણે રાહત અને બચાવ કામગીરી થોડા સમય માટે રોકવી પડી હતી. ગુમ થયેલા લોકોની શોધખોળ થોડા સમય માટે અટકાવવી પડી હતી. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. એવી આશંકા છે કે વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવી શકે છે.
વહીવટીતંત્રે લોકોને સાવચેતી રૂપે ગોગલ્સ પહેરવાનું કહ્યું છે, જેથી તેમની આંખોને ધુમાડાથી નુકસાન ન થાય. આસપાસના લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પર્વત પર ચડતા માર્ગો જ્વાળામુખી ફાટવાના સ્થળની નજીક છે. આ રસ્તાઓ હવે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્રણ કિલોમીટર સુધીના ગામોના લોકોને દૂર ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. વિસ્ફોટનો વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર હાજર છે.


