- અમેરિકા, યુરોપના દેશોમાં દવાઓ 200% જેટલી મોંઘી હોવાથી NRI ભારતમાંથી ખરીદી કરે છે
- હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતના ક્રિટિકલ કેર માટેની દવાઓ બલ્કમાં લે છે
- ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા છે
ભારતમાં દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુSઆરીમાં લગ્નની મોસમ હોય છે. આ સમયે વિદેશમાં વસતા ભારતીયો બહોળા પ્રમાણમાં વતન આવતા હોય છે અને અહીથી અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતાં હોય છે, તેમાં દવાઓ પણ સામેલ છે. અમેરિકા અને યુરોપના દેશોમાં વસતા નોન રેસિડેન્શિયલ ઈન્ડિયન્સ (NRI) ભારત આવે ત્યારે આખા વર્ષની દવા લઈ જતાં હોય છે. ફાર્માસિસ્ટ અને દવાના વેચાણ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે આ બે મહિના દરમિયાન ખાસ કરીને ક્રિટિકલ કેર અને લાઈફ્ સ્ટાઈલ સંબંધિત બીમારીઓની દવાનું વેચાણ 12-15% જેટલું વધી જાય છે. એક અંદાજ મુજબ આ ગાળામાં NRI જ ગુજરાતમાંથી આશરે રૂ. 250-300 કરોડની દવાની ખરીદી કરે છે.
ફાર્માસિસ્ટના જણાવ્યા પ્રમાણે વિશ્વના અન્ય દેશોની તુલનામાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દવાઓ સસ્તી હોય છે. આ કારણે દર વર્ષે વિદેશમાં રહેતા ભારતીયો જ્યારે ભારત આવે છે ત્યારે અહીંથી દવાની ખરીદી કરે છે. ખાસ કરીને જેનરિક દવાઓ વધુ લઈ જતાં હોય છે. જોકે, અહીથી દવા વિદેશ લઈ જવા માટે સ્થાનિક ડોક્ટર્સનું પ્રિસ્ક્રિપ્શન અને પાક્કું બિલ હોવું જરૂરી છે. ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા છે.
દવાનું વેચાણ 10-15% વધી જાય છે : ફેડરેશન ઓફ્ ગુજરાત સ્ટેટ કેમિસટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (FGSCDA)ના પ્રમુખ જસવંત પટેલે જણાવ્યું કે, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન સામાન્ય કરતાં દવાનું વેચાણ 12-15% જેટલું વધી જાય છે. તેનું મુખ્ય કારણ છે કે આ બે મહિનાઓમાં વિદેશ રહેતા ગુજરાતીઓ વતનમાં આવે છે અને અહીથી પોતાની જરૂર મુજબની દવાઓ ખરીદી કરે છે. અમે જોયું છે કે અહી આવતા ગુજરાતીઓ સરેરાશ એક વર્ષ સુધી ચાલે તેટલી દવાઓ લઈ જતાં હોય છે. આ પ્રકારની ખરીદી માટે એસોસિએશને નિયમ બનાવ્યો છે કે સ્થાનિક ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન હોય તો જ દવાનું વેચાણ કરવું. આ ઉપરાંત પાકું બિલ આપવું પણ ફરજિયાત છે.
મહિનાના ખર્ચમાં આખા વર્ષની દવા આવી જાય
મેડિસિન સ્ટોર ચેઈન મેડકાર્ટ ફાર્મસીના કો-ફાઉન્ડર અંકુર અગ્રવાલે જણાવ્યું કે, ભારતની સરખામણીએ અમેરિકા અને યુરોપમાં દવાઓ ઘણી મોંઘી છે. વેસ્ટર્ન દેશોમાં કોઈ દવાનો માસિક ખર્ચ અંદાજે રૂ. 15,000-20,000 થતો હોય તો તેની સામે ભારતમાં રૂ. 30,000માં આખા વર્ષની દવા આવી જાય છે. જે લોકોને બીમારીઓમાં કાયમી દવાઓ લેવાની થતી હોય છે તેવા લોકો ભારતમાંથી દવાઓ ખરીદે છે. પરિવાર કે સગા-સંબંધીઓ ભારત આવતા હોય તેમની સાથે પણ ઘણા લોકો દવાઓ મંગાવતા હોય છે. આ પ્રકારે NRIના વેચાણમાં દરવર્ષે વધારો થઇ રહ્યો છે.


