- નળકાંઠાના ગામોમાં થયું કૌભાંડ
- 350 વીધાથી વધુની જમીનોના બોગસ દસ્તાવેજ
- ઝેઝરા, સૂરજગઢ, નભોઈ ગામોના 20થી વધુ ખેડૂતો દ્વારા તપાસની માગણી
અમદાવાદ જિલ્લામાં એક મોટા જમીન કૌભાંડની વિગતો પ્રકાશમાં આવી છે. આ વિસ્તારો બીજો કોઈ નહીં પરંતુ પ્રખ્યાત એવો નળકાંઠાના ગામોનો વિસ્તાર છે. અહીં તલાટી અને સરપંચની મિલીભગતથી આશરે 350 વીઘાથી વધુની જમીનોના બોગસ દસ્તાવેજ થયા હોવાના દાવા સાથે આ મામલે તપાસની માગણી કરવામાં આવી છે.
આ ઘટનાની વધુ માહિતી અનુસાર અમદાવાદ જિલ્લામાં નળકાંઠાના વિસ્તારમાં ગણાતા ગામો જેવા કે ઝેઝરા, સૂરજગઢ અને નભોઈ જેવા ગામોના 20થી વધુ ખેડૂતોની જમીનોના બોગસ દસ્તાવેજ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો જે જમીનોનું કૌભાંડ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે તે જમીનો આશરે 350 વીઘાથી વધુ થવા જઈ રહી છે. આમ કરોડો રૂપિયાની જમીનોના બોગસ દસ્તાવેજ થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ મામલે આ ખેડૂતો દ્વારા મામલતદાર અને નાયબ કલેક્ટરને તપાસ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આ મામલે વિશેષ માહિતી અનુસાર વિરમગામ નળકાંઠાના ગામોની ખેડૂતોની વડીલોપાર્જિત જમીનો ગામના સરપંચ તલાટી અને લુહાણા મગનભાઇ જગજીવનદાસ અને તેમના વારસદારોએ મિલીભગતથી જમીનોના બોગસ દસ્તાવેજ કરી જમીન કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે. આ જમીનોમાં વિરમગામ નળકાંઠાના ઝેઝરા, સુરજગઢ, નભોઇ ગામની સીમ સર્વે નં-364, 92/પી, 94, 1062, 529, 1005 , 82, 1155 , 534 ,130, 99/1 ,92 અને 1064 સામેલ છે. આ જમીનોનો વર્ષોથી હક ધરાવતા ખેડૂતોની જાણબહાર બોગસ દસ્તાવેજ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
મહત્વનું છે કે નળકાંઠાના ગામોનો વિસ્તાર હાલ અમદાવાદ જિલ્લાનો વિકસી રહેલો વિસ્તાર ગણાઈ રહ્યો છે. જેથી અહીં જમીનોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અહીં વિકેન્ડ વિલા ફોર્મેટની અને અન્ય રેસિડેન્શિયલ સ્કીમોની પણ જાહેરાતો થાય છે. જેના લીધે લાલચમાં આવીને આ વિસ્તારની જમીનોના બોગસ દસ્તાવેજનું કૌભાંડ કરાયું હોવાનો સંભવ છે.


