- ટેન્ડર પ્રક્રિયામાં નિયમનો ઉલ્લેખ પણ કંપનીઓની કઠપૂતળી બનેલું તંત્ર અમલમાં નાકામ
- બાકી રકમની માફીની પાછલા બારણે યોજના લાવી પોલિસીના લીરે લીરા ઉડાવ્યા
- નવા નિયમનો ઉલ્લેખ પણ કંપનીઓના તાબે થયેલું તંત્ર અમલ કરાવી શકતું નથી
AMC દ્વારા ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં આઉટડોર એડવર્ટાઇઝિંગ અને હોરિંડગ્સની નવી પોલીસીની મોટા ઉપાડે જાહેરાત કરી છે પણ અગાઉના નાણાં ચૂકવવામાં કસુરવાર એજન્સીઓ સામે કોઈ પગલા ભરાશે કે કેમ, તેની કોઈ જોગવાઈ રજૂ કરાઈ નથી. વર્તમાન ટેન્ડર પ્રક્રિયામાં પોલીસીમાં મોટાભાગના નવા નિયમનો ઉલ્લેખ પણ કંપનીઓના તાબે થયેલું તંત્ર અમલ કરાવી શકતું નથી. નવા નિયમમાં લાઈસન્સ ફી તથા કરવેરાની 45 કરોડથી વધુની બાકી રકમની વસુલાત માટે કડક જોગવાઇઓ હોવાનો અધિકારીઓ દાવો કરે છે. પરંતુ પાછલાબારણે બાકી રકમની માફી યોજના લાવી પોલિસીના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણાં સ્થળોએ મ્યુનિ.કોર્પોરેશન અને ખાનગી મિલ્કતો પર લાગેલા આડેધડ હોરિંડગ્સના લીધે ઘણીવાર અઘટિત ઘટનાઓ બને છે. ત્યારે મ્યુનિ.સત્તાધીશો અને અધિકારીઓ કડક પોલીસની બાંગ પુકારે છે. પરંતુ પછી તંત્ર રસ લેતું નથી. હવે મ્યુનિ.કોર્પોરેશને નવી પોલીસીની જાહેરાત કરી છે. જેના મોટાભાગના નિયમો વર્તમાન પોલિસીમાં છે. નવી પોલીસીમાં હોરિંડગ્સની વિવિધ કંપનીઓ પાસે કડક વસુલાતની જોગવાઇ કરાઇ છે. જ્યારે બીજીતરફ આજ કંપનીઓ પાસેથી વસુલાત કરવાની 45 કરોડની બાકી રકમની માફીની દરખાસ્ત ગત મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઇ છે. આ દરખાસ્તને હજી મંજૂરી અપાઇ નથી. પરંતુ કોર્પોરેશન દ્વારા કોના ઇશારે માફી યોજના લાવવામાં આવી તે સમજાતું નથી.
હોરિંડગ્સ કંપનીઓ પોતાની મનમાની કરી નિયમોનું કડકપણે પાલન જ કરતી નથી. પરિણામે ચોમાસામાં વારંવાર હોરિંડગ્સ પડવાની ઘટનાઓમાં જાન-માલને નુકસાન થાય છે. આમ છતાં તંત્ર માત્ર કાગળો પર જ નિયમો બનાવે છે. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેર કરાયેલી નવી પોલીસીમાં જાહેર ખબરની પરવાનગી અંગે લાઇસન્સ ફી અને ચાર્જીસ વસૂલવા અંગેની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત બનીપરવાનગીની જાહેરાત સંદર્ભે દંડ અને વહીવટી જ ચાર્જ વસુલવા અંગે પણ કડક નિયમ તૈયાર કરાયો છે. મ્યુનિ.અધિકારીઓએ દાવો કર્યો છેકે, નવી પોલિસી બાદ મ્યુનિ.ની પરવાનગી વગર રસ્તાની ફૂટપાથ કે અન્ય કોઇ પણ સ્થળોએ જાહેરાતના બોર્ડ જોવા મળશે નહીં. આ પછી જાહેરાતના બોર્ડ ખડકી દેવાશે તો કડક કાર્યવાહી કરાશે.
નાણાં ચૂકવવામાં કસુરવાર કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાના બદલે તેમને પણ મંજૂરી અપાય છે
મ્યુનિ.ના કેટલાક સત્તાધીશો અને અધિકારીઓની હોરિંડગ્સ કંપનીઓ સાથેની મિલીભગતને લીધે અધધ 45 કરોડથી વધુની લાઈસન્સ ફી તથા કરવેરાની બાકી રકમ ધરાવતી કંપનીઓને બ્લેકલીસ્ટ કરાતી નથી. આવી કંપનીઓને પણ બંગલા અને સોસાયટીઓમાં આડેધડ હોરિંડગ્સ ખડકવાની મંજૂરી આપવામાં આવે છે. નવી નિતીમાં ખરેખર તો જે એજન્સીઓના નાણાં બાકી નીકળે છે તેમને ભાગ લેવાની મંજૂરી જ હોવી જોઈએ નહી. તેમને બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ. પણ આવી કંપનીઓને નામ પૂરતી નોટીસ અપાય છે. આ પછી કોઇ કાર્યવાહી કરાતી નથી. અત્યારે કંપનીઓ દ્વારા લગાવાયેલા હોરિંડગ્સ નિયમ મુજબ હોવાનો દાવો કરાય છે.


