- CMએ કહ્યું, ગુજરાતે સ્ટાર્ટઅપ માટે ઇકો સિસ્ટમ ડેવલપ કરી
- ‘કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી 99 હજાર સ્ટાર્ટઅપ્સને માન્યતા અપાઈ’
- આ દાયકો દેશમાં ડિજિટલ અને ટેક્નોલોજી ક્રાંતિનો છે
સ્ટાર્ટ અપ કોન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે ગુરુવારે મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, એક સમયે કન્ઝુમર તરીકે ઓળખાતા ભારત દેશે છેલ્લા 9 વર્ષમાં પ્રોડયુસર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ દાયકો દેશમાં ડિજિટલ અને ટેક્નોલોજી ક્રાંતિનો છે, વર્ષ 2026 સુધીમાં દેશની જીડીપીનો પાંચમો હિસ્સો ડિજિટલ અર્થવ્યવસ્થાનો હશે, તેથી આ સમય સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે શ્રોષ્ઠ સમય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, ગુજરાતે 2016માં સ્ટાર્ટઅપ પોલિસી લાગુ કર્યા પછી રૂ.500 કરોડની જોગવાઈ સાથે રાજ્યના યુવાછાત્રોના નવા ચાર ઇનોવેશન્સને ઉદ્યોગ એકમમાં બદલવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ પૂરું પાડયું છે તથા સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે. આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ગુજરાત અને દેશના યુવા સ્ટાર્ટઅપને દુનિયા સાથે જોડવા માટે તથા ઇનોવેટિવ આઇડિયાઝ- નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે.
મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે, આ કોન્ક્લેવમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન થઈ રહ્યું છે, જે યુવાનોને પ્રેરણારૂપ બનશે. કેન્દ્ર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડના સચિવ રાજેશકુમાર સિંઘે એવી વિગતો આપી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી 99 હજાર સ્ટાર્ટઅપ્સને માન્યતા અપાઈ છે.
ગુજરાતમાં વિશ્વકક્ષાની ઇવેન્ટ પાર પાડવાની ક્ષમતા : CMએ કન્વેન્શન્સ કોન્ક્લેવ ખુલ્લી મૂકી
ગુજરાતને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મિટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સીસ અને એક્ઝિબિશન્સના ડેસ્ટિનેશન તરીકે પ્રોજેક્ટ કરવા માટે મહાત્મા મંદિર ખાતે ગુરુવારે બપોરે ત્રણ દિવસ માટે ખુલ્લી મુકાયેલી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બે દાયકાથી વાઇબ્રન્ટ સમિટ સફળતાથી યોજીને ગુજરાતને વિશ્વકક્ષાના આયોજનો પાર પાડવાની તેની ક્ષમતા ઉજાગર કરી છે. આ કોેન્ક્લેવમાં ટૂરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ હૉટેલો-એક્ઝિબિટર્સ વગેરે મળીને 400થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે અને બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગો યોજી આગામી ઇવેન્ટ્સ માટે એમઓયુ કરશે. રાજ્યના મહાત્મા મંદિર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, કચ્છની ટેન્ટસિટી વગેરે લોકેશન્સ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે શ્રોષ્ઠ પુરવાર થયા છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. જ્યારે પ્રવાસન સચિવ હારિત શુકલે જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક ટૂરિઝમ માટે તથા વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત અગ્રણી પ્રવાસન કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ડિફેન્સ એક્સ્પો, જી-20, આઇપીએલ ક્રિકેટ વર્લ્ડકપ, વાઇબ્રન્ટ સમિટ સહિત સંખ્યાબંધ ઇવેન્ટ્સ ગુજરાતમાં યોજાઈ છે અને હવે રાજ્ય મહત્ત્વની ઇવેન્ટ્સનું કેન્દ્ર બની ચૂક્યું છે.


