- કેટલાક મીડિયા રિપોર્ટને સરકારે ભ્રામક, ખોટા ગણાવ્યા
- જોકે આરોગ્ય મંત્રાલયને અને લોકોને સતર્ક રહી પૂરી તકેદારી રાખવા સલાહ
- દિલ્હી એઇમ્સમાં આવેલા તમામ કેસો સાદા ન્યૂમોનિયાના છે
છેલ્લા એક મહિનામાં ચીનમાં આૃર્યજનક રીતે ન્યૂમોનિયાના કેસ વધ્યા છે. માઇકોપ્લાઝમા ન્યૂમોનિયા નામના આ રોગથી બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા. ચીનની હોસ્પિટલોના ઇમરજન્સી વોર્ડમાં ન્યૂમોનિયા અને શ્વસન સંક્રમણના દર્દીઓ ઝડપથી વધ્યા છે. અધિકારીઓએ લોકોને એલર્ટ રહેવા અને પૂરતી તકેદારી રાખવા સલાહ આપી છે ત્યારે કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે માઇકોપ્લાઝમા ન્યૂમોનિયાના કેસ ભારતમાં પણ જોવા મળી રહ્યા છે. જોકે ભારત સરકારે આ દાવો ફગાવતાં ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આ મીડિયા રિપોર્ટ ભ્રામક અને ખોટા છે. દિલ્હી એઇમ્સમાં આવેલા તમામ કેસો સાદા ન્યૂમોનિયાના છે, માઇકોપ્લાઝમા ન્યૂમોનિયાના નહીં. જાન્યુઆરી, 2023થી અત્યાર સુધીમાં એઇમ્સમાં 611 સેમ્પલના ટેસ્ટિંગમાં માઇકોપ્લાઝમા ન્યૂમોનિયાનો એક પણ કેસ મળ્યો નથી.
ચીનમાં રોજ 1,200 દર્દીઓ ઇમરજન્સીમાં દાખલ થઇ રહ્યા છે
માઇકોપ્લાઝમા ન્યૂમોનિયાને કારણે ચીનમાં રાજધાની બેઇજિંગની અને તેની આસપાસની લગભગ તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ચીનમાં રોજ માઇકોપ્લાઝમા ન્યૂમોનિયાના સરેરાશ 1,200 દર્દીઓ ઇમરજન્સીમાં દાખલ થઇ રહ્યા છે. જોકે ચીન કોરોનાની જેમ આ રોગનો પણ ડેટા જાહેર નથી કરી રહ્યું. ચીનમાં અચાનક વધેલા માઇકોપ્લાઝમા ન્યૂમોનિયાના કેસો પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની પણ ચાંપતી નજર છે. WHOએ અધિકારીઓને સતત સ્થિતિની માહિતી આપતા રહેવા સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે અન્ય દેશોએ પણ સતર્ક રહેવાની જરૂર છે.


