- સાચા લાભાર્થી ન હોય તેમની પાસેથી રિકવરી કાઢવાની અસર?
- આઈટી રિટર્ન ભરતાં હોય, જમીન વેચ્યા પછીયે સહાય મેળવ્યાનું ખૂલ્યું
- ગુજરાતમાં અત્યારે એક અંદાજ પ્રમાણે 45 લાખથી વધુ ખેડૂત લાભાર્થી
ગુજરાતમાં પીએમ કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય અપાય છે, આ સહાયમાં સાચા લાભાર્થી ન હોવા છતાં કેટલાક ખેડૂતો યોજનાનો લાભ લેતાં હોવાનું સામે આવતાં તંત્રે રિકવરી કાઢવાનું શરૂ કર્યું છે, આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં વર્ષ 2020-21ના અરસામાં ખેડૂતોને 3380 કરોડની સહાય ચુકવવામાં આવી હતી, જોકે વર્ષ 2022-23માં સહાયની રકમ ઘટીને 3169 કરોડ આસપાસ પહોંચી છે, આમ ગુજરાતી ખેડૂતો માટે ચુકવાતી સહાયની રકમમાં 211 કરોડ જેટલો માતબર ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારે એક અંદાજ પ્રમાણે 45 લાખથી વધુ ખેડૂત લાભાર્થી છે, જે એક સમયે 59.61 લાખ જેટલા હતા. રાજ્ય સરકારની તપાસમાં થોડાક સમય પહેલાં જ સામે આવ્યું હતું કે, ગુજરાતમાં 4.52 લાખથી વધુ ખેડૂતો સાચા લાભાર્થી નથી. આઈટી રિટર્ન ભરતા હોય, જમીન વેચી દીધી હોય તેમ છતાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવાનું ચાલુ રાખ્યું હોય, 7-12ના ઉતારામાં નામ કમી થયા પછીયે સહાય મેળવતાં હોવાના કિસ્સા સામે આવ્યા છે. રાજ્યના કૃષિ વિભાગે પણ ખોટી રીતે સહાય મેળવનારા સામે કાર્યવાહી આદરી છે. આ સ્થિતિ વચ્ચે લાભાર્થીઓનું સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2023-24ના અરસામાં ચોથી ડિસેમ્બર 2023ની સ્થિતિએ ગુજરાતમાં 2005.01 કરોડની સહાય ખેડૂતોને ચુકવવામાં આવી છે. કેન્દ્ર સરકારના કૃષિ વિભાગનું કહેવું છે કે, પીએમ કિસાન યોજના હેઠળ અત્યારે સહાય ચુકવણીના હપ્તા વધારવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, વર્ષે જે છ હજારની સહાય મળે છે તે દર ચાર મહિને એટલે કે વર્ષમાં ત્રણ વાર બે-બે હજારની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય છે.


