- સંદેશ’- કે.ડી. હોસ્પિટલનો અવેરનેસ ફોરમ : લોકોને સચોટ જવાબ મળ્યા
- વાઈ-ખેંચ જેવી બીમારીમાં એક પણ બાળકનું શિક્ષણ બગડવું ન જોઈએ
- બીમારીને લઈ લોકોમાં જાગૃતિ ફેલાય તેવા આશયે સેમિનારનું આયોજન કરાયું હતું
સંદેશ’ અને કે.ડી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 10મી ડિસેમ્બરના રવિવારે આઈઆઈએમ રોડ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે એપિલેપ્સી-વાઈ, ખેંચ આંચકા જેવી બીમારીને લઈ લોકોમાં જાગૃતિ ફેલાય તેવા આશયે સેમિનારનું આયોજન કરાયું હતું, આ કાર્યક્રમમાં નિષ્ણાત તબીબોએ લોકોને મૂંઝવતાં સવાલોના સચોટ જવાબ આપ્યા હતા, એટલું જ નહિ પરંતુ વાઈ-ખેંચ આવે તેવી સ્થિતિમાં અન્ય લોકોએ દર્દી માટે શું કરવું જોઈએ તેની સમજ આપવામાં આવી હતી. તબીબોએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વાઈ-ખેંચની બીમારીમાં નાના બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે, સ્કૂલ તરફથી એવું કહેવામાં આવે છે કે, બીજા બાળકો ડર અનુભવે છે અને અન્ય બાળકોને પણ ચેપ લાગી શકે છે. જોકે હકીકત એ છે કે, વાઈ-ખેંચ એ ચેપી બીમારી નથી એટલે બીજા બાળકોને ચેપ લાગવાનો સવાલ ઊભો થતો નથી, આવી બીમારીથી પીડાતાં એક પણ બાળકનું શિક્ષણ બગડવું ન જોઈએ, ઉલટાનું આ પ્રકારના વિદ્યાર્થીને પૂરતો સપોર્ટ આપવો ખૂબ જરૂરી છે. આ બીમારીમાં મહિલા તબીબી સલાહ આધારે પ્રગનન્સી રાખી શકે છે.
કે.ડી. હોસ્પિટલના તબીબોની ટીમમાં ડો. રૂચિર દિવેટિયા, ડો. સમીર પટેલ, ડો. ઋષભ શાહ, ડો. ગોપાલ શાહ, ડો. વિશાલ જોગી, ડો. ઋતુલ શાહ અને ડો. અભિષેક ગોહેલે લોકોને મૂંઝવતા પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા, જેને ખીચોખીચ ભરેલા હોલમાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાળથી વધાવી લીધા હતા. હોસ્પિટલના અધિકારી હિમાંશુ શર્માએ કહ્યું કે, અન્ય બીમારીની ચર્ચા જાહેરમાં કરાય છે, પણ કમનસીબે એપિલેપ્સી સહિતની કેટલીક બીમારીને પરિવારો કલંક માને છે અને ચર્ચા કરવાનું ટાળે છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ વાસ્તવિકતાનો સામનો કરવા પર સૌ ધ્યાન કેન્દ્રિત કરે એ માટેનો છે. તબીબોએ જણાવ્યું હતું કે, વાઈ-ખેંચની બીમારીમાં સર્જરીથી નિદાન શક્ય છે, સર્જરીથી ખેંચ નિયંત્રણમાં આવે તેવી શક્યતા રહે છે. હૃદય રોગ સહિતની બીમારીમાં લોકોમાં જાગૃતિ છે પરંતુ આ બીમારીમાં જોઈએ તેવી જાગૃતિનો હજુ અભાવ છે. વાઈ-ખેંચમાં સગાઈ તૂટવા સહિતના સામાજિક પ્રશ્નો પણ સામે આવતાં હોય છે. રોગનું જલદી નિદાન થાય તો દવા-સારવારથી રોગ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. વાઈ-ખેંચની બીમારી કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, આ માનસિક બીમારી નથી, જોકે દર્દી વધુ પડતાં તણાવમાં આવી જાય તો માનસિક બીમારી થઈ શકે છે, ઘણી વાર બંને બીમારી હોય તો સમસ્યા શેના લીધે છે તે જાણવું અઘરું બની જતું હોય છે. આ બીમારીમાં વાઈ-ખેંચ સ્ટેબલ હોય તો મહિલા પ્રેગનન્સી રાખી શકે છે અને નોર્મલ ડિલિવરી થઈ શકે છે. બાળકમાં ખોડ-ખાંપણની શક્યતા એકથી બે ટકા રહેતી હોય છે, અલબત્ત, પ્રેગનન્સી રાખતી વખતે તબીબી સલાહ ચોક્કસ લેવી જોઈએ, જેથી જરૂરી દવા લઈ શકાય અને તેની મદદથી કોઈ તકલીફ ન થઈ શકે. વાઈ-ખેંચના લક્ષણો દેખાય તો તૂર્ત જ સારવાર લેવી જોઈએ, જેથી મોટી ખેંચથી બચી શકાય. આ બીમારીથી પીડાતા દર્દી સામાન્ય જીવન જીવી શકે, તેમનું જીવન ધોરણ સુધરે તે દિશામાં જાગૃતિ જરૂરી છે. આ બીમારીમાં લોકોએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ.
વાઈ-ખેંચના લક્ષણો : બેચેની, ઝનઝનાટી , તાકીને જોવું, અનૈચ્છિક આંચકા, સ્નાયુની જડતા, ચેતનાનો અભાવ, ક્ષણિક મૂંઝવણ
વાઈ-ખેંચ આવે તો શું કરવું ?
વ્યક્તિના માથા નીચે કૂશન મૂકો, વ્યક્તિને સલામત વિસ્તારમાં નીચે સુવડાવો, દર્દીને હળવેકથી એક પડખે ફેરવો, જેથી શ્વાસ લેવામાં મદદ થાય, બની શકે તો નીચે પડતાં અટકાવવાનો પ્રયાસ કરો
શું ન કરવું જોઈએ : દર્દીની હિલચાલને અટકાવશો નહિ, વ્યક્તિના મોંમાં કોઈ વસ્તુ મૂકશો નહિ, આંચકીના હુમલા દરમિયાન વ્યક્તિને ખસેડશો નહિ


