- અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર
- પાકિસ્તાન સામે ભારતની 8 વિકેટે કારમી હાર
- ભારતના ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી
દુબઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની આ યુવા ટીમને પાકિસ્તાન સામે 8 વિકેટે કરામી હારનો સામનો કરવો પડ્યો છે. અહીં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. અહીં પાકિસ્તાન તરફથી મોહમ્મદ ઝીશાને શાનદાર બોલિંગ કરી અને અઝાન અવૈસે શાનદાર સદી ફટકારી હતી.
ભારતની કારમી હાર
ગ્રુપ-એની આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ઓપનિંગ જોડીએ ધીમી અને સ્થિર શરૂઆત આપી હતી. ભારતીય ટીમને 9મી ઓવરમાં 39ના કુલ સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. અર્શિન કુલકર્ણી (24)ને અમીર હસને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી રુદ્ર પટેલ 1 રને પેવેલિયન પરત ફર્યો હતો. તેને મોહમ્મદ જીશાને આઉટ કર્યો હતો. ત્યારબાદ આદર્શ સિંહ અને કેપ્ટન ઉદય શરણે ત્રીજી વિકેટ માટે 120 બોલમાં 93 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમ અહીં સારી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આદર્શ સિંહ (62) પેવેલિયન પરત ફરતાની સાથે જ બેક ટુ બેક વિકેટો પડવા લાગી. મુશીર ખાન (2), અરવેલી અવનીશ (11) સસ્તામાં આઉટ થયા હતા.
ભારતના ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી
આ પછી સુકાની ઉદય શરણે સચિન ધસ સાથે 48 રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર 200 રનની પાર લઇ ગયા હતા. ઉદય શરણ 206ના ટોટલ પર 60 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી સચિન એક છેડે ઊભો રહ્યો પણ બીજા છેડેથી વિકેટો પડતી રહી. મુરુગન અભિષેક (4), રાજ લિંબાણી (7) કંઈ ખાસ કરી શક્યા ન હતા. સચિન (58) પણ છેલ્લી ઓવરમાં ચાલ્યો ગયો. સૌમ્યા પાંડે (8) અને નમન તિવારી (2) અણનમ રહ્યા હતા. આ રીતે ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઝડપી બોલર મોહમ્મદ જીશાને 10 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અમીર હસન અને ઉબેદ શાહે પણ 2-2 વિકેટ લીધી હતી. અરાફાત મિન્હાસે એક વિકેટ લીધી હતી.
અઝાન અવૈસની સદી, કેપ્ટન સાદની શાનદાર ઇનિંગ
260 રનના આ લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. પાકિસ્તાનને પ્રથમ ઝટકો 28 રને લાગ્યો હતો. શામિલ હુસૈનુ 8 રનમાં પેવેલિયન પરત ફર્યો હતો. બીજી વિકેટ માટે શાઝૈબ ખાન અને અઝાન અવૈસ વચ્ચે 110 રનની ભાગીદારી થઈ હતી. શઝૈબ 63 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી અઝાને કેપ્ટન સાદ બેગ સાથે મળીને 125 રનની અણનમ ભાગીદારી કરી અને પાકિસ્તાનને જીત તરફ દોરી ગઇ હતી. આ દરમિયાન અઝાને 130 બોલમાં 105 રનની સદીની ઇનિંગ રમી હતી. જ્યારે સાદ બેગે 51 બોલમાં ઝડપી 68 રન બનાવ્યા હતા. ભારત તરફથી માત્ર મુરુગન અશ્વિનને વિકેટ મળી હતી. પાકિસ્તાને માત્ર 47 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


