- સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું
- અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ગગડયું
- અમદાવાદમાં શનિવારના રોજ લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ હતુ
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત ગગડતાં હવે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. બે દિવસથી કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુગાર રહ્યું છે. આજે રવિવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયુ હતુ. બીજી તરફ અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ગગડયું છે, છતાં સામાન્ય કરતાં અઢી ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.
શહેરમાં શનિવારના રોજ લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ હતુ જ્યારે મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયુ હતુ. આજે રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી થયુ છે, જ્યારે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી થયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરમાં હવે ધીમેધીમે શિયાળાની સિઝન જમાવટ થઈ રહી છે. અત્યાર સુધીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી ઓછુ અને લઘુત્તમ તાપમાન પણ 4થી 7 ડિગ્રી વધુ નોંધાતુ હતુ. જેના કારણે દિવસ દરમિયાન ઠંડક અને રાત્રે તેમજ વહેલી સવારે જે ઠંડીનો અહેસાસ થવો જોઈએ એ થતો નહોતો. જોકે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન 0.2 ડિગ્રી ઓછુ નોધાયું છે.


