- કોરોનાકાળમાં ગુજરાતમાં અંગદાન પર બ્રેક વાગી હતી
- ગુજરાતમાં 5 વર્ષમાં સૌથી વધુ વર્ષ 2022માં 827 અંગદાન થયાં
- કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જ આ આંકડા જાહેર કર્યા
ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે થોડીક જાગૃતિ વધી છે, વર્ષ 2018થી 2022ના અરસામાં ગુજરાતમાં કુલ 2902 અંગદાન થયા છે, ધીમે ધીમે અંગદાન જરૂર વધ્યા છે, પાંચ વર્ષના આ અરસામાં સૌથી વધુ એકલા વર્ષ 2022માં 827 અંગદાન થયા છે, જોકે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત હજુ પાછળ છે. ગુજરાત દેશના ટોપ-5 રાજ્યમાં પણ આવતું નથી, ગુજરાત સાતમા ક્રમે છે. દિલ્હી જેવા નાનકડાં રાજ્યમાં જ સૌથી વધુ 10,898 અંગદાન થયા છે. અંગદાન મામલે પશ્ચિમ બંગાળ જેવા પછાત ગણાતા રાજ્ય કરતાં ય ગુજરાત પાછળ છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જ આ આંકડા જાહેર કર્યા છે. સમગ્ર દેશમાં વર્ષ 2022માં 14300 અંગદાન થયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાકાળમાં અંગદાન અટકી ગયા હતા. ગુજરાતમાં કોરોનાકાળ વખતે માંડ 381 અંગદાન થયા હતા. આ અગાઉ વર્ષ 2019માં 710 અંગદાન થયા હતા. કિડની, લીવર, હૃદય સહિતના વિવિધ અંગોનું જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય છે, જેથી બીજા દર્દીને નવું જીવન મળી શકે છે. કિડની સહિતના અંગો કોઈ સગામાંથી કાઢવા જ ન પડે, બ્રેઈન ડેડ જાહેર થયેલા દર્દીમાંથી જ અંગો મળે તેવો લક્ષ્યાંક ગુજરાતે નક્કી કર્યો છે, પણ દેશના વિવિધ રાજ્યોના આંકડા જોતાં ગુજરાતે હજુ ઘણી મહેનત કરવી પડે તેમ દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતાને લઈને પણ થોડાક સમય પહેલાં સવાલો ઊઠયા હતા.


