- ‘ભય કહો કે જાગૃતિ’ કોરોના બાદ લોકો હેલ્થ કોન્શિયસ બન્યાં
- દેશની GDPમાં જનરલ ઇન્શ્યોરન્સનું કન્ટ્રીબ્યુશન 0.8 ટકાથી વધીને 1 ટકા થયું
- હજી પણ ઘણા લોકો આરોગ્ય સંબંધિત સમસ્યાઓને લઈ પીડાઈ રહ્યા છે
સાપ ગયા બાદ લીસોટા રહી ગયા કહેવત પ્રમાણે વિશ્વભરમાં હાહાકાર મચાવનારા મહાભયાનક રોગ કોરોના ગયો છતાં તેની આડઅસરો હજી પણ જોવા મળી રહી છે. હજી પણ ઘણા લોકો આરોગ્ય સંબંધિત સમસ્યાઓને લઈ પીડાઈ રહ્યા છે. ત્યારે ભય કહો કે જાગૃતિ કોરોના બાદ લોકો હેલ્થ કોન્શિયસ બની ગયા છે. લોકો આરોગ્યની સંભાળ લેવા સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેતા થયા છે અને જેની પાસે પહેલાથી પોલિસી છે, તેઓ ઇન્શ્યોરન્સની રકમમાં વધારો કરી રહ્યા છે. આમ, કોરોના બાદ હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ટોપમાં આવી ગયો છે. વર્ષોથી પ્રથમ ક્રમે રહેતી મોટરવ્હીકલ પોલિસી કોરોના બાદ બીજા ક્રમે આવી ગઈ છે અને વર્ષોથી બીજા ક્રમે રહેનારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. હાલ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી 20 ટકાના ગ્રોથ સાથે આગળ વધી રહી છે. જે દેશના વિકાસ માટે પણ ખૂબ સારી નિશાની છે. હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આવેલા ગ્રોથને લીધે જીડીપીમાં જનરલ ઇન્શ્યોરન્સનું જે 0.8 ટકા કોન્ટ્રીબિશન હતું, તે વધીને 1 ટકા થયું છે. પરંતુ હજી પણ તે ઓછું જ છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં જનરલ ઇન્સ્યુરન્સનું કોન્ટ્રીબિશન 3થી 4 ટકા જેટલું હોવું જોઈએ. જોકે, હાલની સ્થિતિ જોતા ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સમાં વધુ સ્કોપ દેખાઈ રહ્યો છે.
વાર્ષિક 17 ટકાના ગ્રોથરેટથી હેલ્થ ઇન્શ્યોરન્સ વધી રહ્યો છે
કોરોના બાદ લોકોએ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં રસ દાખવવા સાથે સરકારે આયુષ્માન ભારત જેવી આરોગ્યલક્ષી યોજના મોટાપાયે શરૂ કરી છે. જેનો સીધો ફાયદો હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને થઈ રહ્યો છે. હાલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે હેલ્થ સેક્ટર પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. સમગ્ર ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં હેલ્થ પોલિસીનો ફાળો 35થી 37 ટકા જેટલો છે. વાર્ષિક 17 ટકાના ગ્રોથ રેટથી હેલ્થ ઇન્શ્યોરન્સ વધી રહ્યું છે. ભારતમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં 54 હજાર કરોડના હેલ્થ ઇન્શ્યોરન્સ થયા છે. જેની સામે મોટરવ્હીકલનો આંકડો 40 હજાર કરોડનો છે. છેલ્લા બે વર્ષથી હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ થયો છે.
વિશ્વના દેશોની તુલનામાં ભારતમાં પ્રીમિયમ ઓછા
ધી ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિ.ના ડેપ્યૂટી જનરલ મેનેજરના જણાવ્યા મુજબ, વિકસિત દેશોમાં 95થી 97 ટકા લોકો પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હોય છે. જ્યારે આપણા દેશમાં આયુષ્માન યોજના 60 ટકા લોકો પાસે હેલ્થ ઇન્સ્યુરન્સ છે. આયુષ્માન યોજનાને બાદ કરીએ તો આંકડો ખૂબ નાનો રહેશે. વિશ્વના દેશોની તુલનામાં ભારતમાં ફક્ત હેલ્થ ઇન્શ્યોરન્સના ફક્ત 10થી 15 ટકા જેટલો ચાર્જ લેવામાં આવે છે.
બે વર્ષમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીના આંકડા બમણા થયા
ઇન્શ્યોરન્સ એક્સપર્ટ અને ગ્રૂપ ચેરમેનના જણાવ્યા અનુસાર, કોરોના પછી મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચ વધવાને લીધે હવે, જેની પાંચ લાખની પોલિસી હતી, તેઓ 10 લાખની પોલિસી લેતા થયા છે. આ ઉપરાંત હેલ્થ પોલિસી સાથે ટોપઅપ પોલિસી પણ કરાવે છે. હેલ્થ પોલિસીને લઈ ઇન્ક્વાયરી વધવા સાથે છેલ્લા બે વર્ષમાં હેલ્થ ઇન્સ્યુરન્સ પોલિસીના આંકડા બમણા થયા છે.


