- સાયલા – સુદામડા હાઈવે પર રહેણાંક વિસ્તારની નિકટ હિંસક પ્રાણીની લટાર
- સંસ્થાના ખેતરમાં કામ કરતા એક યુવાને નજરે જોતા વન વિભાગને તુરત જ જાણ કરાઈ
- દીપડા જેવા પ્રાણીના આંટાફેરાથી ભયનો માહોલ સર્જાયો હતો
સાયલા-સુદામડા હાઇવે પર આવેલ મહાજન પાંજરાપોળના વીડ સંકુલમાં બપોરના સમયે દીપડા જેવા પ્રાણીના આંટાફેરાથી ભયનો માહોલ સર્જાયો હતો. અઢી હજારથી વધુ અબોલ અને નિરાધાર પશુઓનો નિભાવ કરતી સંસ્થાના ખેતરમાં એક દીપડા જેવું પ્રાણી ત્યાં કામ કરતા લાલાભાઇ નામનો યુવાન જોતા જ તે ડરી ગયો હતો અને તુરંત સંસ્થાના મેનેજર ટીકુભાઇ દવેને જાણ કરી હતી.
170 એકરના પાંજરાપોળ વીડ સંકુલની અમુક જમીનમાં સંસ્થા દ્વારા પશુઓ માટે ઘાસચારો વાવવામાં આવ્યો છે ત્યાં જ દીપડાએ દેખા દેતા તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વીડ સંકુલમાંથી નિકળી આ દીપડા જેવું જનાવર બાજુમાં આવેલ ફેરેસ્ટના જંગલમાં જતું જોવા મળ્યું હોવાનું નજરે જોનારે જણાવ્યું હતું. આ ઉપરાંત વીડ સંકુલની બાજુમાં જ યજ્ઞ નગરપરામાં મોટી સંખ્યામાં માનવ વસ્તી પણ વસવાટ કરી રહી છે.
આ ઉપરાંત જસાપર રોડ પરની સોસાયટીઓ, દુકાનો, કોમ્પલેક્ષો પણ અહીંથી નજીક હોવાથી કથીત જોવા મળેલ હિંસક પ્રાણીના ડરથી લોકો ભયભીત થયા હતા. વન વિભાગ દ્વારા તુરંત આ બાબતે જોવા મળેલ પ્રાણીના પગલાંના નિશાન ચેક કરવા સાથે ગત રાત્રિથી રવિવાર સુધીના સમયમાં કયાંય પણ મારણ કરાયું હોય તેની તપાસ હાથ ધરાઇ છે.


