- કેટલાય સમયથી અઠવાડિયાના પહેલા જ દિવસે એકસરખી સમસ્યા
- ઉપચાર કરવાના બદલે તંત્રે બાકી ડ્રાઇવિંગ ટેસ્ટ મંગળવારે ધકેલી દીધા
- સમગ્ર રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ
અમદાવાદ સહિત રાજ્યની વિવિધ આરટીઓ કચેરી અને કેટલીક આઇટીઆઇ સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી સપ્તાહના પ્રથમ દિવસે જ સર્વરની સમસ્યા છતાં વિભાગના અધિકારીઓ નિદ્રામાં જોવા મળી રહ્યા છે. સોમવારે સર્વરના ડાઉનથી આરટીઓમાં બપોર પછી વાહનના લાઇસન્સની કામગીરી ઠપ ગઇ હતી. વાહનવ્યવહાર વિભાગે કહ્યું કે, મંગળવારે રાબેતા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે.
રાજ્યની વિવિધ આરટીઓ કચેરીમાં વાહનના ડ્રાઇવીંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇને આવેલા અરજદારો બેઠા હતાં ત્યારે જ સર્વર ડાઉન થઇ જતાં બપોર પછી કામગીરી ઠપ થઈ ગઈ હતી. સમગ્ર રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ છે. જેમાંથી 50 ટકા અરજદારોને પરત જવું પડયું હતું. વાહનનો ટેસ્ટ આપવા કેટલાક દીકરા-દીકરીઓ પોતાના પરિવારના સદસ્યો સાથે અને નોકરી-ધંધા કરનાર અરજદારો રજા લઇને આરટીઓ કચેરીમાં લાઇનમાં બેઠા હતાં ત્યારે જ સર્વર ડાઉન થઇ ગયું હતું. દોઢ કલાક સુધી સર્વર ચાલુ નહીં થતાં ઘરે પરત જવાનો વારો આવ્યો હતો. પૂર્વ અધિકારીઓે કહ્યું કે, 2010થી સારથિ સર્વર અપડેટ થયું નથી. મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા સર્વરને મેઇન્ટેઇન કરાય છે. જેથી સ્થાનિક અધિકારીઓે સર્વરની સમસ્યાથી અજાણ હોય છે. સોમવારે પરત ગયેલા અરજદારોએ 24 કલાક પછી ફરી એપોઇન્ટમેન્ટ લઇને ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા આવવાનું રહેશે.
ચાંદખેડા ITIમાં બપોર પછી અરજદારોને પરત કાઢયા
ચાંદખેડા ITIમાં બપોર પછી કાચા લાઇસન્સની પરીક્ષા આપવા ગેયલા અરજદારોને પરત કાઢી મૂકયા હતાં. સર્વર ચાલુ થાય તેની રાહ પણ નહીં જોઇને સંસ્થાના કર્મીઓએ ફરી એપોઇન્ટમેન્ટ લઇને આવવાનું કહીને રવાના કર્યા હતા.


