- બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયામાં અડચણરૂપ વાહનો, લારીઓ જપ્ત
- જાહેર રસ્તા પર નો- હોકિંગ ઝોનમાં લારીઓ મૂકીને દબાણો કરવા બદલ દંડ વસૂલાયો
- રોડ પર બિલ્ડિંગ મટિરિયલ્સ મૂકીને દબાણ નહીં કરવા માટે સૂચના આપવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા ગોતા વોર્ડમાં ‘ધ એમ્પાયર’ નામની કન્સ્ટ્રકશન સાઈટ પર ગ્રીન નેટ અને સેફ્ટી નેટ નહીં લગાવવા તેમજ બેરીકેડ ન હોવા બદલ રૂ. 50,000નો દંડ ફ્ટકારવામાં આવ્યો છે. ગોતામાં પાંચ દુકાનોનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે જાહેર રસ્તા પર નો- હોકિંગ ઝોનમાં લારીઓ મૂકીને દબાણો કરવા બદલ રૂ. 19,500નો દંડ વસૂલાયો છે. થલતેજ, સાલ હોસ્પિટલ નજીક, ત્રાગડ રોડ, હેલ્મેટ સર્કલ વગેરે સ્થળે રોડ સાઈડ પરના દબાણો હટાવવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં બાંધકામ કરનાર ડેવલપર્સ દ્વારા ધૂળ, રજકણો, સિમેન્ટ, રેતી, ડેબ્રીસ, વગેરે ઊડીને આસપાસમાં એર પોલ્યુશન ન ફેલાય તેમજ પર્યાવરણની જાળવણી હેતુસર ગ્રીન નેટ લગાવવાનું અને કન્સ્ટ્રક્શન સાઈટ પર સલામતીના પગલાંરૂપે સેફ્ટી નેટ અને બેરીકેડ લગાવવાનું ફરજિયાત બનાવાયું છે. રોડ પર બિલ્ડિંગ મટિરિયલ્સ મૂકીને દબાણ નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ પ્રકારની સૂચનાને અવગણીને ગોતામાં ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટ ‘ધ એમ્પાયર’ને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત રૂ. 50,000નો દંડ વસૂલ કરાયો છે. ગોતામાં શાયોના દર્શન બંગલો પાછળ સોસાયટીની માર્જિનની જગ્યામાં પાંચ દુકાનોનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે દુકાનોનું બાંધકામ દૂર કરવા માટે એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસની ઐસી તૈસી કરીને ગેરકાયદે દુકાનો દૂર નહીં કરવામાં આવતાં છેવટે આ પાંચેય દુકાનોનું બાંધકામ દૂર કરાયું હતું.


