- સાંગાનેર બેઠકના ધારાસભ્ય ભજનલાલ શર્મા રાજસ્થાનમાં નવા સીએમ
- 2 ડેપ્યુટી સીએમના નામની જાહેરાત, વાસુદેવ દેવનાનીને બનાવાયા સ્પીકર
- પહેલીવાર વિધાનસભા બેઠક જીતીને સીધા જ મુખ્યમંત્રી બન્યા ભજનલાલ
ભાજપે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેઓ સાંગાનેર વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા છે. 23 કલાક પહેલા ગઇકાલની જ વાત છે જ્યારે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવેલ મોહન યાદવને ભજનલાલ શર્માએ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ, 24 કલાક પૂરા થાય તે પહેલા જ તેઓ પોતે પણ મુખ્યમંત્રી બની ગયા છે. ભજનલાલને સીએમ બનાવવાની જાહેરાતની સાથે જ તેમના ઘરે અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
ટ્વિટ કરીને મોહન યાદવને આપી હતી શુભેચ્છા
મહત્વનું છે કે, ગઇકાલે મધ્ય પ્રદેશમાં મોહન યાદવના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભજનલાલે લખ્યું હતું કે, ડૉ. મોહન યાદવને મધ્ય પ્રદેશ ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ. તેમની આ પોસ્ટના 24 કલાકની અંદર જ તેઓ પોતે પણ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આ એક સંયોગ જ માનવામાં આવશે કે ગઇકાલે જેમણે મધ્ય પ્રદેશના સીએમ બનવા પર મોહન યાદવને શુભેચ્છા આપી રહ્યા હતા તેઓ આજે પોતે પણ સીએમ બની ગયા છે. સમાચારોમાં પણ ભજનલાલના મુખ્યમંત્રી બનવાની ક્યાંય દૂર દૂર સુધી પણ ચર્ચા નહોતી. જોકે, હવે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળશે.
રાજસ્થાનમાં પણ 2 ડેપ્યુટી સીએમ, સ્પીકર હશે વાસુદેવ દેવનાની
મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. જેમાં, દિયા કુમારી અને પ્રમચંદ બૈરવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત અજમેર નોર્થ બેઠકના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. તેઓ 2003થી સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ધારાસભ્ય વાસુદેવ દેવનાની આ પહેલા ABVPના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
જાણો કોણ છે સીએમ ભજનલાલ?
ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠકથી પહેલીવાર ચૂંટણી જીત્યા છે. ભાજપે 2023ની વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેના નજીકના મનાતા અને સ્ટેન્ડિંગ ધારાસભ્ય અશોક લોહાટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ટિકિટ આપવામાં આવી હતી. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુશપેન્દ્ર ભારદ્વાજને 48,081 વોટ જીતીને હાર આપી હતી. ભજનલાલ શર્મા રાજસ્થાનના બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન ગણાય છે. તેઓ, રાજસ્થાન ભાજપ સંગઠનમાં મોટી પકડ ધરાવે છે. એટલું જ નહિ ભજનલાલ રાજસ્થાન ભાજપના પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. ભજનલાલ શર્મા ભરતપુરના વતની છે. સાંગાનેર બેઠક પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેમના પર આયાતી નેતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, તેમ છતાં ભજનલાલ શર્માએ મોટા અંતર સાથે સાંગાનેર બેઠક જીતી લીધી હતી. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના માનવામાં આવે છે.


