- નવેમ્બરમાં શાકભાજીનો ફુગાવો 17.7 ટકા પર પહોંચ્યો હતો
- રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે વધીને 5.55 ટકાના સ્તર
- નવેમ્બર મહિનામાં ફૂડ. ઇન્ફ્લેશનનો દર 8.7 ટકા રહ્યો
રિટેલ ફુગાવામાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે વધીને 5.55 ટકાના સ્તર પર પહોંચી ગયો હતો. નોંધનીય છે કે આ વર્ષે ઓક્ટોબર મહિન્માં રિટેલ ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તર 4.87 ટકા પર હતો તેમ મંગળવારે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવાયું હતું. જો કે હજુ પણ રિટેલ ફુગાવાનો દર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના 2-6 ટકાના ટોલરન્સ બેંડની અંદર જ છે. અહેવાલો અનુસાર રિટેલ ફુગાવામાં તીવ્ર વધારા માટે ફૂડ ઇન્ફ્લેશનનો દર જવાબદાર રહ્યો છે. નવેમ્બર મહિનામાં ફૂડ. ઇન્ફ્લેશનનો દર 8.7 ટકા રહ્યો હતો. ગામડાં અને શહેરના રિટેલ ફુગાવાના દરની વાત કરીએ તો તે અનુક્રમે 5.85 ટકા તથા 5.26 ટકા રહ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ગાળા માટે આ દર અનુક્રમે 4.62 ટકા તથા 5.12 ટકા રહ્યો હતો. શાકભાજીના ફુગાવાની વાત કરીએ તો નવેમ્બરમાં શાકભાજીનો ફુગાવો 17.7 ટકા પર પહોંચી ગયો હતો. ભારતીય રિઝર્વ બેન્કે પોતાની ડિસેમ્બર પોલિસી મીટિંગમાં મોંઘવારીના લક્ષ્યમાં કોઇ બદલાવ કર્યો નથી અને તેને 5.4 ટકા પર જાળવી રાખ્યું છે.
ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 16 મહિનાની ઊંચી સપાટી પર
આ દરમિયાન ઓક્ટોબર મહિનામાં દેશમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 16 મહિનાની ઊંચાઇ પર પહોંચી ગયું હતું. ઓક્ટોબરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 11.7 ટકા રહ્યું હતું. તેની સરખામણીએ પાછલા વર્ષે તેમાં 4.1 ટકાનું કન્ટ્રેક્શન જોવા મળ્યું હતું. આ વર્ષે નવેમ્બરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 5.8 ટકા વધ્યું હતું. NSO તરફથી રિલીઝ કરવામાં આવેલા ડેટા અનુસાર ઓક્ટોબરમાં ઇલેક્ટ્રિસિટી સેક્ટરમાં 20.4 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી.


