- સંઘ મુખ્યાલયની મુલાકાત પૂર્વે પ્રણવદાએ પુત્રી શર્મિષ્ઠાને કહેલું
- પિતાજીનું કહેવું હતું કે લોકશાહીમાં વિપક્ષ સાથે પણ સંવાદ જાળવવો જોઇએ : શર્મિષ્ઠા
- ઘણા કોંગ્રેસીઓએ પ્રણવ મુખરજીની ખૂલીને ટીકા કરી હતી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમના અંતિમ દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નાગપુર સ્થિત મુખ્યાલયની મુલાકાત લીધી હતી, જેને લઇને ભારે વિવાદ થયો હતો અને કોંગ્રેસમાં મતભેદો પણ સર્જાયા હતા. ઘણા કોંગ્રેસીઓએ પ્રણવ મુખરજીની ખૂલીને ટીકા કરી હતી. પ્રણવદાના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ પણ તેમને સંઘ મુખ્યાલય જતા રોકવા પ્રયાસ કરતા ઘરમાં પણ વાદવિવાદ થયો હતો. આ અંગે શર્મિષ્ઠાએ હવે જણાવ્યું છે કે સંઘ મુખ્યાલયની મુલાકાતે જવા મુદ્દે પ્રણવદાની શું દલીલ હતી? શર્મિષ્ઠાએ તેમની લેટેસ્ટ બુક ‘પ્રણવ, માય ફાધરઃ અ ડૉટર રિમેમ્બર્સ’માં લખ્યું છે કે પ્રણવદાએ તે સમયે કહ્યું હતું કે આરએસએસને તો જનતાએ માન્યતા આપેલી છે. તેને સર્ટિફિકેટ આપવાવાળો હું કોણ? શર્મિષ્ઠાના કહેવા પ્રમાણે પિતાજીનું કહેવું હતું કે લોકશાહીનો અર્થ જ સંવાદ કરવો છે. આપણે વિપક્ષ સાથે પણ સંવાદ જાળવી રાખવો જોઇએ. શર્મિષ્ઠાએ એમ પણ જણાવ્યું હતું કે બુકમાં રાહુલ ગાંધી વિશે બહુ ઓછું લખાયું છે. તેમણે એ પણ લખ્યું છે કે પ્રણવદા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની કેબિનેટમાં સ્થાન ન મળતા પરેશાન હતા અને આ અંગે તેમનું કહેવું હતું કે તેઓ માથું ઝુકાવીને હાંજી-હાંજી કરનાર ન હોવાથી તેમને કેબિનેટમાં સ્થાન નહોતું અપાયું.
શર્મિષ્ઠાની બુકના લૉન્ચિંગમાં કોંગ્રેસમાંથી ચિદમ્બરમ હાજર
શર્મિષ્ઠા મુખરજીની બુક ‘પ્રણવ, માય ફાધરઃ અ ડૉટર રિમેમ્બર્સ’ સોમવારે લૉન્ચ થઇ. બુકના લૉન્ચિંગમાં કોંગ્રેસમાંથી માત્ર પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ હાજર રહ્યા હતા. ભાજપના વિજય ગોયલ પણ ઉપસ્થિત હતા. શર્મિષ્ઠાએ બુકમાં લખ્યું છે કે ચાર વર્ષ કે તેથી વધુની સજા મેળવનારા નેતાઓને ચૂંટણી ન લડવા દેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામેના જે વટહુકમને રાહુલ ગાંધીએ ફાડયો હતો તેનો મારા પિતાએ પણ વિરોધ કર્યો હતો પણ તેઓ ઇચ્છતા હતા કે આ અંગે સંસદમાં ચર્ચા થવી જોઇએ.


