- અધ્યાપક સહાયકની સળંગ નોકરીને લઈ સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ
- શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 1,200 જેટલા અધ્યાપકોને ફાયદો થશે
- શિક્ષણ વિભાગે સત્તાવાર કરેલા ઠરાવમાં કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી
રાજ્યની ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજવતાં અધ્યાપક સહાયકનકની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની વિવિધ કોલેજમાં ફરજ બજાવતાં અંદાજે 1,200 જેટલા અધ્યાપકોને ફાયદો થશે.
રાજ્ય સરકારની વર્ગ-3 અને 4ની તમામ સંવર્ગની જગ્યાઓ ઉપરની સીધી ભરતીની નિમણુકો પાંચ વર્ષની સમયગાળા માટે ફિક્સ પગાર અજમાયશા તરીકે કરવાની જોગવાઈ છે. જોકે નાણા વિભાગ દ્વારા 18 જાન્યુઆરી-2017ના રોજ એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં આ કર્મચારીઓની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણી બઢતી, પ્રવરતા, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે મળવાપાત્ર લાભો અંગે એ સાવે ગણવામાં આવશે. આ ઠરાવમાં ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોને સામેલ કરવામાં આવ્યા નહોતા. જેથી આ અધ્યાપકો દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો અને આંદોલન કરવામાં આવ્યાં હતા. રજૂઆતના પગલે રાજ્ય શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગે સત્તાવાર કરેલા ઠરાવમાં કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે જેમાં ફિક્સ પગારની નોકરી માત્ર બઢતી, પ્રવરતા, પગારધોરણ અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાશે.


