- રખડતા ઢોરો, ટ્રાફ્કિની સમસ્યા સહિતના મુદ્દે HCમાં સુનાવણી હાથ ધરાઈ
- પશુઓનાં મૃતદેહ અંગે એફએસએલમાં નમૂના મોકલી રિપોર્ટ મંગાયો
- આ મામલામાં ખેડા એસપી અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તપાસ
રખડતાં ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફ્કિની સમસ્યા સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં અમદાવાદ, નડિયાદ સહિતના સ્થળોએ નિર્દોષ ગાયો અને પશુધનના નીપજેલા મોત અને તેના આડેધડ કરાયેલા નિકાલ પ્રકરણમાં રાજય સરકાર દ્વારા યોગ્ય અને ઝીણવટભરી તપાસ કરી વિગતવાર રિપોર્ટ એક સપ્તાહમાં રજૂ કરવાની બાંહેધરી અપાઇ હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે, આ મામલામાં ખેડા એસપી અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તપાસ કરાઇ રહી છે, પશુઓના મૃતહેદ સંબંધી FSLમાં નમૂના મોકલી રિપોર્ટ મંગાવાયો છે. જો કે, આ સમગ્ર મામલાની તપાસ માટે એક અઠવાડિયાની સમયની જરૂર છે, તેથી હાઇકોર્ટે સરકાર પક્ષને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે તા.19મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
અમદાવાદ, નડિયાદ સહિતના ઢોરવાડામાં પશુઓના મોત અને ત્યારબાદ તેના ખુલ્લા મેદાનોમાં ગેરકાયદે રીતે નિકાલ અંગેના ફેટોગ્રાફ્સ અને સોગંદનામાં સાથે ગઇકાલે અરજદારપક્ષ તરફ્થી એડવોકેટ અમિત પંચાલ દ્વારા અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જે જોઇ ખુદ જસ્ટિસ એ.જે.શાસ્ત્રી અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠ ચોંકી ઊઠી હતી અને આઘાતની લાગણી વ્યકત કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તમે ઢોર નિયંત્રણ નીતિની ચોક્કસપણે અમલવારી કરો પરંતુ નીતિના અભાવે નિર્દોષ ગાયો-પશુધનના મૃત્યુ થવા ના જોઇએ. જો આ પ્રકારે નિર્દોષ ગાયો કે પશુધનના મૃત્યુ થાય તો ભગવાન પણ આપણને માફ્ નહી કરે. હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર, નડિયાદ કલેકટર અને પોલીસ વડા સહિતના સંબંધિત સત્તાવાળાઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો.


