- રાજ્યની તમામ સ્કૂલોને 31મી સુધીમાં યુ-ડાયસમાં વિગતો મૂકવા તાકીદ
- શાળા, વિદ્યાર્થી, શિક્ષક સહિતની તમામ વિગતો આ પોર્ટલમાં મૂકવાની જોગવાઈ
- રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને SSA દ્વારા તાકીદ
રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થી, શિક્ષક સહિતની તમામ વિગતો યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ ( UDISE+ ) પોર્ટલ પર અપલોડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા સુચના અપાયા છતાં ઘણી સ્કૂલો દ્વારા નિયત સમયમાં વિગતો પૂરી પાડવામાં ન આવતાં સમગ્ર શિક્ષા અભિયાન (SSA) દ્વારા લાલ આંખ કરાઈ છે. રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને SSA દ્વારા તાકીદ કરાઈ છે કે, 31મી ડીસેમ્બર સુધીમાં સ્કૂલોએ UDISE+માં વિગતો આપવી પડશે. તેમ નહીં કરનારી સ્કૂલની માન્યતા રદ કરવાની સુચના અપાઈ છે. જે અંતર્ગત અમદાવાદ શહેર ડીઈઓએ પણ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ-2030 સુધીમાં પ્રિ-શાળાથી માધ્યમિકમાં શાળા છોડીને ગયેલા બાળકોને શિક્ષણ પ્રણાલીમાં પરત લાવવાનો નિર્ણય લેવાયો છે. જેથી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ-2022-23થી UDISE+ અંતર્ગત પ્રોફાઈલ એન્ડ ફેસિલિટી, ટીચર અને સ્ટુડન્ટ એમ ત્રણ મોડયુલમાં માહિતી માગી છે. જેમા સ્ટુડન્ટમાં પૂર્વ પ્રાથમિકથી ધો.12 સુધીના ધોરણ ધરાવતી શાળાઓનાં વિદ્યાર્થીઓના નામ સહિતની વિગતો એકત્રિત કરાય છે.


