- ચિંતાનો કોઇ વિષય નથી, તપાસ ચાલુ છેઃ ઓમ બિરલા
- તમામ ઘટનાની પ્રાથમિક તપાસ કરાઇ છે
- સંપૂર્ણ તપાસ બાદ જે સામે આવશે તે જાણ કરીશ
લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદી પડ્યા જેના કારણે ગૃહમાં અંધાધૂંધી અને હોબાળો થયો હતો. બાદમાં લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે, સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સુરક્ષા પ્રત્યે ગંભીર હોવાની ખાતરી આપતાં કહ્યું કે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ મામલો ગંભીર છે, પરંતુ હાલમાં સાંસદોની સુરક્ષાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમે બધા ચિંતિત હતા કે આ ધુમાડો કયાથી આવ્યો, પ્રાથમિક તપાસ મુજબ તે સામાન્ય ધુમાડો હતો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તેની પ્રાથમિક તપાસ થઈ ગઈ છે. હાલમાં આ ઘટના માટે કોઈ કોઈને દોષી ઠેરવતું નથી.
તપાસમાં હકીકત બહાર આવશે
તેમણે કહ્યું કે સાંસદોના સૂચનો પણ અમલમાં મુકવામાં આવશે. સ્પીકરે કહ્યું કે જો જરૂર પડશે તો સભાગૃહ માટે પાસ બનાવવાના નિયમો અને શરતોની પણ સાંસદોની મંજૂરી સાથે સમીક્ષા કરવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે દરેક સાથે શેર કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ગૃહની કાર્યવાહી ખોરવવા માટે અચાનક કૂદી પડનાર બંને વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે, ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલશે.
સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી
સ્પીકરની પરવાનગી પર સાંસદોએ ગૃહની અંદરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સાંસદ નિઃશસ્ત્ર હતા. આવી સ્થિતિમાં જ્યારે બે લોકો અચાનક કૂદી પડ્યા ત્યારે સાંસદોની ચિંતા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. કેટલાક વધુ સાંસદોએ તેમની ચિંતા વ્યક્ત કરી હતી જેના પર સ્પીકરે કહ્યું હતું કે તેઓ દરેકના મંતવ્યો સાંભળવા તૈયાર છે.


